________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
હોય ત્યારે તેલ કે દૂધ ત્રણગણું ખાઈ ‘મેં ત્યાગ કર્યો છે.’ એમ માની બેસે છે. પણ વૃત્તિઓ તેને છેતરે છે. એ વાત અજ્ઞાનપણાને લઈ ખ્યાલમાં આવતી નથી.
આઠમ કે પાખીનો ઉપવાસ કરવો હોય ત્યારે હમેશાં બે ટંક ખાતો હોય તો ‘આઠમનો ઉપવાસ કરવો છે' એમ જાણી સાતમ તથા નોમમાં ઘી, દૂધ તથા મિષ્ટાન્ન વિગેરે માદક ખોરાક ખૂબ ખાઈ ગળા સુધી પેટ ભરી આઠમનો ઉપવાસ કર્યો માને છે. પણ સાતમ તથા નોમના બે દિવસમાં બે ટંક ખોરાક તથા ખરચ ચાર દિવસ જેટલો કરી વૃત્તિઓને પોષવામાં ધર્મ નથી, પણ અધર્મ છે. વૃત્તિને શોષવામાં ધર્મ છે, પોષવામાં નથી.
જૈનોમાં જ્યારે ઉપવાસ કરવો હોય ત્યારે આગલા તથા પાછલા બે દિવસ સ્વાદૃષ્ટિ ખોરાકથી વૃત્તિઓને પોષે છે, ત્યારે વૈષ્ણવોમાં ઉપવાસના દિવસે ‘મેં ઉપવાસ કર્યો છે.' એમ અભિમાન ન આવે તેથી તુલસીપત્રના અગ્રભાગ ઉપર આવે તેટલો અણમાત્ર ખોરાક(ફરાળ) ખાવાની છૂટ પૂર્વાચાર્યોએ આપી હોય તો તે બનવા યોગ્ય છે, પરંતુ શાસ્ત્રકારોએ ઉદ્દેશને ભૂલી જઈ, અરે ! ઉદ્દેશથી ઊલટા ચાલી ઉપવાસના દિવસે પેંડા, બરફી, રાજગરાનો શીરો, દૂધ તથા ફળાદિક ખાઈ, પેટ ભરી ત્રણ દિવસના ખોરાકનો ખરચ એક દિવસમાં ઉડાવી વૃત્તિઓને પોષવામાં જ ધર્મ માને છે ! તે ખરેખર અજ્ઞાનતા જ છે.
કળિકાળ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે
" कषायविषयाहार त्यागो यत्र विषीयतेः
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः ॥”
ક્રોધ, માન, માયા, લોભ એ કષાય તથા પાંચ ઇંદ્રિયોના વિષયો, એ નવ દોષપૂર્વક આહારનો ત્યાગ કરે, તો જ તેને ઉપવાસ કહે છે. પણ જો આહારનો ત્યાગ કર્યો હોય અને ચાર કષાય તથા પાંચ વિષય, એ નવ દોષમાંથી એક પણ દોષ અંતરમાં રહ્યો હોય, તો મહાપુરુષો તો ઉપવાસ નહિ પણ લાંઘણ કહે છે.
વૃત્તિનો જય, કષાય તથા વિષયનો ઉપશમ અથવા ક્ષય, અણુમાત્રની ઇચ્છાનો ત્યાગ (નિષ્કામતા) અને અંતરની નિર્મળતા, એ ચાર ગુણ સહિત આહારનો ત્યાગ કરે તો પણ ઉપવાસ તપ છે અને આહારને ગ્રહણ કરે તો પણ તપ છે. માત્ર ખાવું નહિ એ તપ નથી, પણ ન ખાવાની સાથે વૃત્તિના સંયમને જ તપ કહે છે.
૯૧