________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૩) દ્રવ્ય સંક્ષેપ ન હોય તો જેટલી ચીજ મળે એટલી વાપરવી કોઈ મર્યાદા જ નહિ. (૪) રસત્યાગ ન હોય તો જેટલા રસ મળે એટલા માણવાના. (૫) કાયક્લેશ તપ ન હોય તો ધર્મ ખાતર કાયાને કષ્ટ આપવાની વાત નહિ. ધર્મની વાત આવે
ત્યાં કાયાને પંપાળી પંપાળી સુંવાળી રાખવી. (૬) સંલીનતા તપના અભાવે ખોટી પ્રવૃત્તિથી દેહને જુદો રાખવાની વાત નહિ. બાહ્ય તપ જે ૬ પ્રકારનો છે. તેના ત્રણ વિભાગો થઈ શકે છે. પહેલા વિભાગમાં અણશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ, આ ચાર પ્રકારના તપનો સમાવેશ થઈ શકે છે.
આ ચાર પ્રકારના તપ દ્વારા આહાર-સંજ્ઞા ઉપર વિજય મેળવી શકાય છે અને આહાર વિના કે અલ્પાહાર દ્વારા સાધના જીવન જીવવાની વિશિષ્ટ ક્ષમતા કેળવી શકાય છે.
બીજા વિભાગમાં પાંચમો “કાયકલેશ” નામના તપનો સમાવેશ થાય છે. જેના દ્વારા શરીરની મમતાને તોડી શકાય છે અને ગમે તેવા શારીરિક કષ્ટોની વચ્ચે પણ સાધનાને અખંડ અને નિર્દોષ બનાવવાની ક્ષમતા કેળવી શકાય છે.
ત્રીજા વિભાગમાં છઠ્ઠા સંલીનતા તપનો સમાવેશ થાય છે અને તેના દ્વારા (૧) ઇન્દ્રિયોનો વિજય (૨) કષાયનો વિજય (૩) યોગનો વિજય થાય છે.
આ તપ દ્વારા આત્મા અંતર્મુખ થઈ શકે છે. આંતર નિરીક્ષણ કરી શકે છે અને આત્મિક ગુણો અને જીવનના વાસ્તવિક દોષોનું નિરીક્ષણ કરી શકે છે. આ “સંલીનતા” તપ આત્યંતર તપનું પ્રવેશદ્વાર છે.
બાહ્ય તપનો આશય અને તેની અસર
શરીર અને મન એકબીજા સાથે એવા જોડાયેલા છે કે એકની અસર બીજા ઉપર થયા વિના રહેતી નથી. તેથી બાહ્ય અને આત્યંતર તપ પણ એકબીજા સાથે જોડાએલા છે. બન્ને પરસ્પર સહાયક, પૂરક અને ઉપકારક છે.
બાહ્યતપમાં આહાર અને શરીરની ચેષ્ટાઓના ત્યાગની પ્રધાનતા છે, આત્યંતર તપમાં અશુભ વિચાર અને મનના વિવિધ વ્યાપારોના ત્યાગની પ્રધાનતા છે. અશુભ ચેષ્ટા અને વ્યાપારોના ત્યાગની સાથે શુભ અને શુદ્ધ વ્યાપારોના સેવનનું વિધાન પણ બન્ને પ્રકારના તપમાં રહેલું છે.
એ રીતે શુભ ધ્યાનના હેતુભૂત હોવાથી બાહ્ય અને આત્યંતર બન્ને પ્રકારના તપ શ્રી જિનશાસનમાં આત્માના હિતકારક માનેલા છે.