________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પાચનશક્તિની અપૂર્ણતાથી અથવા પાચનશક્તિના વિકારથી શરીરમાં અનેક જાતના ઝેર ઉત્પન્ન થાય છે. તે ઝેર શરીરમાં લાંબો વખત રહે તો અનેક જાતના રોગો ઉત્પન્ન કરે. તેથી તે ઝેરને જલ્દી બહાર કાઢી નાખવાં જોઈએ. તે ઝેરને કાઢી નાખવા માટે કે બાળી નાખવા માટે ઉપવાસ શ્રેષ્ઠ ઉપાય છે.
એ પ્રમાણે ઉપવાસ રોગને અટકાવે છે. ઉપરાંત ઘણાખરા રોગો ઉત્પન્ન થયા પછી પણ ઉપવાસ રોગને શાંત કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. કોઈ પણ દરદ ઉત્પન્ન થવાનું મુખ્ય અથવા ખરૂં કારણ શરીરમાં એકઠો થયેલો ઝેરનો જથ્થો હોય છે. અને તે ઝેરને શરીરમાંથી બહાર કાઢવા માટે બીજા બધા કુદરતી ઉપાયોમાં તો સર્વથી પહેલો અને અગત્યનો ઉપાય તે ઉપવાસ છે.
ઉપવાસ કરવામાં જે મુશ્કેલી છે તે મનનું સમાધાન કરવામાં છે. ઉપવાસ કર્યેથી અથવા ભૂખ્યા રહેવાથી આપણે દુબળા થઈ હાલહવાલ થવાના નથી જ. અથવા તો થોડી વારમાં જમીન પર તૂટી પડી મરી જવાના પણ નથી જ. એવો કાંઈ પણ ડરનો ખ્યાલ મનમાં રાખવો નહિ.
લોકોમાં એવું મનાતું આવ્યું છે કે થોડો વખત પણ ભૂખ્યા રહેવાથી માણસ મરી જાય છે. અને અવે જો મનથી માની લીધું હોય તો જરૂર તે માણસ ભૂખ્યો રહેનાથી મરી જાય પણ ખરો, જે માણસને ઉપવાસનું જ્ઞાન નથી, જેને તે વિષેનો કાંઈ જ ખ્યાલ નથી તેવા માણસ જો સાત કે દસ દિવસ ઉપવાસ કરે તો મરણ પણ પામે. કારણ કે તેણે મનથી માની લીધું છે કે માણસ તેટલી લાંબી મુદત સુધી ભૂખ્યો રહે તો જરૂર મરણ પામે. એ ઉપરથી મનનો શરીર ઉપર કેટલો કાબુ છે તે સમજી શકાય છે.
મનની દઢતાથી ગમે તેવું અસાધારણ કામ પણ પાર પાડી શકાય છે. તેમ મનને પ્રબળ મજબૂત બનાવવાથી ભયંકર માંદગીમાંથી પણ સાજા થઈ શકાય છે. માંદગીમાંથી સાજા થવા માટે મનથી દઢ સંકલ્પ કરવો એ ખાસ જરૂરી છે. મન એ ખાસ શક્તિ છે.
ઉપવાસથી શરીરમાંની બધી ગલીચ અથવા ઝેરી વસ્તુઓ બહાર નીકળી જાય છે. એનો એક જાણીતો પુરાવો એ છે કે ઉપવાસ દરમ્યાન વારંવાર જીભ ઉપર થર બંધાયેલો માલુમ પડે છે તથા ઉપવાસ વેળાએ મુખમાંથી દુર્ગધ આવે છે, મોંમાંથી બદબો નીકળે છે અને સ્વાદ ખરાબ થઈ જાય છે. એ બધું દેખાડે છે કે ઉપવાસની ઘણી જ જરૂર હતી.
પાચનક્રિયા કરનારા બધા અવયવો કે જેઓ અત્યાર સુધી હોજરીમાં ગયેલા ખોરાકને પચાવવામાં જ ધ્યાન આપતા હતા અને પુષ્ટિકારક તત્ત્વોને શરીરના બધા ભાગમાં વહેંચી આપવાનું કામ કરતા હતા તેઓ ઉપવાસ વખતે પોતાનું કામ ઉલટાવી નાખે છે. એટલે ખોરાકને પચાવવાના કામને બદલે તેઓ ઝેરને બહાર કાઢવાનું કામ કર્યા કરે છે. ઉપવાસથી દરદ સારું થાય છે તેનું મુખ્ય કારણ આ જ છે.