________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૨
એટલે રોગ કે વ્યાધિ થવાનું કારણ અયોગ્ય ખાનપાન કે અપથ્યાહારનો ત્યાગ કરવો એ જ છે. તેના ત્યાગથી હવે પછીના થતા રોગો અટકશે; પરંતુ જે વિજાતીય દ્રવ્ય શરીરમાં સંચીત થયાં હોય તેને દૂર કરવાનો તાત્કાલિક, સહેલામાં સહેલો, વગર ખર્ચનો અને કોઈ પણ જાતની દહેશત વગરનો ઉપાય તે ઉપવાસ કરવા એ જ છે.”
આપણે જૈનો દ્રવ્ય ઉપવાસ પણ ઘણા કરીએ છીએ પણ ઉપવાસનો હેતુ અને રીત જાણવાની દરકાર કરતા નથી, જેથી ઉપવાસમાંથી મળતા લાભો ગુમાવવા ઉપરાંત ઘણ વખતે બિમારી અને કેટલાક તો મૃત્યુ પણ વહોરી લે છે.
‘તપથી મેલ કપાય છે એમ શાસ્ત્રો કહે છે, પણ આપણે જાણવું જોઈએ કે ધર્મભાવ વિનાના શારીરિક તપથી શારીરિક મેલ કપાય અને માનસિક તપથી માનસિક મેલ કપાય.
ઉપવાસાદિક શારીરિક (દ્રવ્ય) તપથી શરીરનો કચરો દૂર થઈ શરીર પોતાની કુદરતી સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તેથી મગજનું યન્ત્ર પણ તન્દુરસ્ત બને છે, કે જે મગજ વડે અભ્યાસ, ધ્યાન, મનન વગેરે ‘અત્યંતર તપ’નાં કામો કરવાનાં છે. તપ કષ્ટસાધ્ય છે એ વાત ખોટી નથી; ઉપવાસાદિથી શરીરને જે કષ્ટ થાય છે તે કરતાં સત્યના ઊંડા વિચારમાં, ધ્યાનમાં ઉતરવાથી થતી શરૂઆતની વેદના અનંતગુણી વધારે તીવ્ર હોય છે, એ અનુભવસિદ્ધ છે.
શરીરને શુદ્ધ કરવા માટે તેમ જ મનને સ્વચ્છ કરવા માટે યોજાયલી દરેક ક્રિયાઓ-વિધિઓઉપચારોનું રહસ્ય આપણે સમજવું જોઈએ.
ઘણા લાંબા દ્રવ્ય ઉપવાસોથી જેઓ શરીરનો શિથિલ અને મનને પણ શિથિલ બનાવી દેવા પ્રેરાય છે તેઓ લાભનો ધંધો કરતા હોય એમ માની શકાતું નથી. છોકરૂં તોફાની હોય અને સાચવતાં ન આવડે તેથી અફીણ ખવરાવી રાતદિવસ ઊંઘાડી રાખવું કે ભૂખ્યું રાખી તોફાનની ‘શક્તિ' મારી નાખવી એને કોણ ડહાપણ કહેશે ?
૧૦૮
ઇન્દ્રિયોને જે જે ધર્મો કુદરતે સોંપેલા છે તે તે ધર્મોનું-ખાસીયતોનું અવલોકન કરવાની ટેવ પાડવી જરૂરી છે અને એમ કરતાં જણાશે કે ઇન્દ્રિયો આપણા વિકાસક્રમને મદદ આપવા માટે જ યોજાયલી છે. એ ઓજારો છે અને ઓજાર એ અમૃત નથી તેમ ઝેર પણ નથી.
ઇન્દ્રિયોમાં પાપ ભરાઈ બેઠું નથી પણ ઇન્દ્રિયો પુણ્ય કે પાપનું સાધન છે, ધર્મ તેમજ અધર્મનું સાધન છે. જ્ઞાનીઓ એ જ ઇન્દ્રિયો વડે મુક્તિ મેળવે છે અને અજ્ઞાનીઓ એ જ ઇન્દ્રિયો વડે નરક બનાવે છે.