________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૮. નીચ કુળને વિષે ઉત્પન્ન થએલા છતાં પણ, તપ તપનારા હરિકેશી મુનિની દેવતાઓ પણ સેવા કરે છે, તે તપનો જ પ્રભાવ છે.
૯. શ્રી નેમિનાથ મહારાજાએ પોતાના ૧૮ હજાર મુનિઓમાં કૃષ્ણ મહારાજા પાસે ઢંઢણ ઋષિને વખાણ્યા તે તપનો જ મહિમા છે.
૧૦. જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ, એકી ફાળે, આઠમાં નંદીશ્વર દ્વીપ, તથા તેરમા રૂચક દ્વીપે જાય છે તે ઉત્તમોત્તમ તપકર્મનો જ પ્રભાવ છે.
૧૧. શ્રી મહાવીર મહારાજાએ શ્રેણિક મહારાજા પાસે જેના તપકર્મને વખાણેલ છે તે ધન્નો અને કાકંદીનો ધન્નો સર્વાર્થસિદ્ધ વિમાને ગયા છે.
૧૨. શ્રી આદિનાથ દાદાની સુંદરીએ, સાઠ હજાર વર્ષ સુધી ઘોર આંબેલની તપસ્યા કરી, તે સાંભળી કોનું હૃદય નહિ કંપે ?
૧૩. પૂર્વભવમાં શિવકુમારે બાર વર્ષ સુધી આંબેલની તપસ્યા કરી તેથી અખંડ સૌભાગ્યનિધિ જંબૂકુમાર થયા તેને કોણ જાણતું નથી ?
૧૪. જિનકલ્પી, પરિહારવિશુદ્ધિ, પ્રતિમાધારી યથાલંદી સાધુઓના તીવ્ર તપોના તોલે કોણ આવનાર હતો ?
૧૫. મહારૂપવંત છતાં, વગડામાં રહીને તીવ્ર તપસ્યા કરી હિંસક પ્રાણીઓને પણ પ્રતિબોધ કરેલ છે તે બળભદ્રમુનિને કોણ પિછાણતું નથી ?
૧૬. મેરુપર્વત ઉપર વાસ કરનારા વિષ્ણુકુમાર મુનિમહારાજાએ, તપબળથી સાયર ડોલાવી, લક્ષ યોજનનું શરીર કરી, નમુચિને શિક્ષા કરી, શ્રી સંઘનું રક્ષણ કર્યું તેવી રીતે કરવાની બીજા કોની શક્તિ હતી ?
સત્ત્વાધિક જીવોથી સાધ્ય અને નિસત્વ જીવોથી અસાધ્ય એવો તપ મોટા કાર્યમાં પ્રથમ જિનેશ્વર મહારાજાએ કહેલ છે.
મનુષ્યોને તપબળથી દુર્લભ હોય તે સુલભ, વક્ર હોય તે સરળ, અસ્થિર હોય તે સ્થિર, અને દુઃસાધ્ય પણ સુસાધ્ય થાય છે. જેમ ઘણા કાષ્ટોને પણ અગ્નિ બાળીને ભસ્મીભૂત કરે છે તેમ ઘણા કાળના આચરેલા અનંતા કર્મોને પણ તપ શીઘ્રતાથી બાળીને ભસ્મીભૂત કરે છે. બાહ્ય, અત્યંતર, તપરૂપી અગ્નિ પ્રજવલિત થવાથી, સાધુ દુર્રીય કર્મોને બાળી ભસ્મ કરે છે. કર્મપ્રેરિત પુરુષ,પૂર્વે મહા પાપકર્મને બાંધે છે, તે જ પાપકર્મનો સમ્યફ પ્રકારે આલોચનાપૂર્વક તપ કરીને નાશ કરે છે.
આવી રીતે તપને વિશેષરૂપે જાણીએ અને આરાધીએ.
(૧૦)