________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
૨.૧ જૈન ધર્મનો પરિચય અને તપનો સંબંધ
શેઠ પોલિસ ચોકીમાં ફરીયાદ નોંધાવવા ગયા. છોકરો ને કુતરો બન્ને ખોવાયા છે. પોલીસે પૂછ્યું છોકરો કેટલી ઉંમરનો છે ? તેર-ચૌદનો હોય શકે. હાઇટ ? લાંબી-ટૂંકી, કદાચ મિડીયમ. એ કાળો છે કે ગોરો ? યાદ નથી. ચશ્મા પહેરે છે. ખ્યાલ નથી એની મમ્મીને પુછવું પડશે.
કૂતરો કેવો છે ? ચોકલેટી રંગનો, વચ્ચે-વચ્ચે સફેદ સ્પોટ, ૨૫ રતલ વજન છે. કાન સીધા, પૂંછડી વાંકી છે. બે વર્ષનો છે તેને આ બિસ્કીટ ભાવે છે. છોકરાના વિષયમાં કશું ખબર નથી ને કુતરાના વિષયમાં બધુ ફટાફટ જણાવ્યું. પોલિસે પુછ્યું તમને કશું મળશે તે ગમશે ? શેમાં વધુ રસ છે ? છોકરામાં કે કુતરામાં ?
તેમ ગુરુ ભગવન્ત પણ આપણને પૂછે છે કે તમને વધુ શેમાં રસ છે. આત્મામાં કે શરીરમાં? શરીર વિષે પુરેપુરી માહિતી આપી શકો છો. બી.પી., રેડસેલ, હિમોગ્લોબીન વિગેરે. જ્યારે આત્મા વિશે કાંઇ જ ખબર નથી. બસ આજ આત્માની માહિતી જૈનધર્મ દ્વારા જ મળી શકે તેમ છે. કારણ કે આ કેવળીનો ધર્મ છે. તેમણે સ્થૂલ અને સૂક્ષ્મ બન્નેની વાત કરી છે.
જૈન ધર્મ એ પ્રાચીન ધર્મ છે. અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જૈનધર્મમાં ૬૩ શ્લાઘનીલય પુરુષ માનવામાં આવ્યા છે. તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વિગરે.
છ આરા અવસર્પિણીકાળના તથા છ આરા ઉત્સર્પિણી કાળના આમ કુલ ૧૨ આરા બતાવ્યા છે. જેને કાળચક્ર પણ કહેવામાં આવે છે. અત્યારે અવસર્પિણીકાળ ચાલી રહ્યો છે. જે ઉતરતો કાળ છે. એમાં પહેલો આરો જેનું નામ હતું સુષમ-સુષમ સુખમાં સુખ જે યુગલીઆ કાળ હતો. પુણ્યના ઉદયે આ યુગલીઆ કલ્પવૃક્ષના સહારે જીવન જીવતા હતા. દશ પ્રકારના કલ્પવૃક્ષ દ્વારા એમને બધુ જ મળી જતું હતું. બીજો આરો જેનું નામ સુષમ હતું એટલે કે માત્ર સુખ હતું. આ બન્ને આરામાં પણ કલ્પવૃક્ષના સહારે જ જીવન જીવતા હતા. ત્રીજા આરાના છેવાડે પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવ થયા. પોતાના અધિજ્ઞાન દ્વારા જાણીને યુગલીઆ ધર્મનું નિવારણ કરી પુરુષોની ૭૨ કળા તથા સ્ત્રીઓની ૬૪ કળા બતાવી માનવ સમાજને નવીન જીવન પદ્ધતિ બતાવી લોકોને જીવન જીવવાની
કળા બતાવી જ્યારે ઋષભદેવનું ભોગાવલી કર્મ પતી જતા આ સંસારનો રાગ તૂટી ગયો. નિર્વેદની
પ્રાપ્તિ થતા સારાયે સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ ગ્રહણ કર્યો. અણગાર ધર્મ અને આગાર ધર્મની પ્રરુપણા કરી અનેક આત્માઓ આ માર્ગ ઉપર આગળ વધ્યાને આઠ કર્મનો ક્ષય કરી મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કર્યા. આમ એક એક તીર્થંકર થતા ગયા અને છેલ્લે ૨૪માં મહાવીર સ્વામી થયા. એમણે પણ અગાઉના તીર્થંકરોએ જે વાત કરી એ જ વાતને દોહરાવી એમણે અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદનો સુંદર સદ્બોધ આપ્યો. જે વિશ્વશાંતિ માટે ખૂબ જ જરૂરી છે.
૯૭