________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
-
ધન ઉપાર્જન કરવામાં કુશળ પુરુષો ટાઢ તાપ આદિ બધુંય કષ્ટ સહન કરે છે, તેમ તત્ત્વજ્ઞાનના અર્થી અને સંસારથી વિરકત થયેલાને ઉપવાસ આદિ તપ દુઃસહ નથી. કારણકે કાર્યનો અર્થી તેના કારણમાં પ્રમાદ કરતો નથી. તેથી પરમાનંદ રૂપ કાર્યને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો ઉપવાસ આદિ તપરૂપ કષ્ટ ક્રિયામાં દુઃસહપણું માનતો નથી.
તાત્પર્ય એ છે કે પહેલાં ઇંદ્રિયોના વિષયોની અભિલાષા દૂર કરી શાંત પરિણતિથી સિદ્ધાંતમાં કહેલ વિધિ પ્રમાણે, લૌકિક ફળની ઇચ્છા સિવાય તપ થાય તે વિશુદ્ધ તપ છે. અનાદિ કાળથી પરભાવના સુખની ઇચ્છાથી કોણે કયું કષ્ટાનુષ્ઠાન કર્યું નથી ? નિઃસંગ અને મોહરહિત આત્મતત્ત્વમાં એકતારૂપ, બાધક પરભાવરૂપ આહાર આદિના ગ્રહણને નિવારણ કરનાર જે તપ છે તે ઇષ્ટ છે.
જે તપમાં ઇષ્ટ પુદ્ગળોની આશંસારૂપ કે અનિષ્ટ પુગળોના વિયોગરૂપ દુર્ધ્યાન ન થાય, જે તપથી મન, વચન અને કાયરૂપ યોગો તત્ત્વના અનુભવથી સ્વરૂપની રમણતાનો ત્યાગ ન કરે અને જ્યાં ઇંદ્રિયો ક્ષીણ ન થાય એટલે ધર્મસાધક સ્વાધ્યાય કે અહિંસા આદિમાં તેના કાયની પ્રવૃત્તિ નાશ ન પામે, એટલે સાધનારૂપ ચેતના અને વીર્યરૂપ શક્તિની હાનિ ન થાય તે તપ શુદ્ધ અને કરવા યોગ્ય છે.
તપ સંવરૂપ અને નિર્જરારૂપ એમ બે પ્રકાર છે. તેમાં સંવરૂપ તપ, જ્ઞાન અને ચારિત્રની તીવ્ર દશારૂપ છે અને તે ચેતના અને વીર્ય આદિ ગુણોની એકતારૂપ છે.
બીજું નિર્જરા રૂપ તપ જ્ઞાન, ચારિત્ર અને ઉપભોગ રૂપ ગુણોની મિશ્રતાથી થયેલ, ગુણોના આસ્વાદની એકતાના અનુભવવાળું સર્વ પરભાવોની નિઃસ્પૃહતા રૂપ છે. તે જઘન્યથી અંશના ત્યાગપૂર્વક અંશથી નિઃસ્પૃહતા ગુણની એકતારૂપ છે. ઉત્કૃષ્ટથી શુકલધ્યાનના છેલ્લા અધ્યવસાય રૂપ છે.
પરભાવનો આસ્વાદ કરવામાં આસક્ત અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરીને સ્વરૂપના આનંદમાં મગ્નતા રૂપ પરિણતિ કરવા યોગ્ય છે. નવીન કર્મને ગ્રહણ નહિ કરવા રૂપ સંવરપૂર્વક સત્તાગત કર્મની નિર્જરા કરવા રૂપ તપ છે.
૯૯
તપ વડે દેવ આદિ ગતિ રૂપ ફળની અભિલાષા કરવી યોગ્ય નથી. નિર્જરા રૂપ તપ વડે શુભ કર્મનો બંધ કેમ થાય ? તપસ્વીઓ દેવાયુષ્ય પ્રમુખ કર્મ બાંધે છે તે રાગ આદિ પ્રશસ્ત અષ્વસાય નિમિત્તક છે. તેથી સર્વ કર્મના ક્ષય વડે પ્રગટ થયેલ અનંત જ્ઞાનદર્શન રૂપ મોક્ષના સુખનું મુખ્ય કારણ તપ છે. આધ્યાત્મિક, પરભાવરહિત, સ્વભાવની એકતાના અનુભવની તીવ્રતા રૂપ તપ પરમ સાધન છે.