________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
બારે પ્રકારના તપમાંથી કોઈપણ એક તપ વિના એકે આત્મા મુક્તિએ ગયો નથી, જશે પણ નહિ અને જવાનો પણ નથી બસ આ જ બતાવે છે કે તપશ્ચર્યાનો મહિમા ઉત્તમ છે. સર્વનો આધાર પણ તે છે માટે એ તપશ્ચર્યાને જીવનમાં ધારણ કરીએ જેથી મુક્તિસુખને પામીએ.
શરીરને રૂપ હોય છે અને એ રૂપ દ્વારા અનેક પ્રકારનાં પાપો થાય છે કેમકે જગતમાં આકર્ષણ રૂપનાં છે. રૂપના કારણે જ સતી સીતાને રાવણ ઉપાડી ગયો. રૂપને કારણે જ રૂપવાળા સુદર્શન ઉપર અભયારાણી મોહિત બન્યા હતા. ભરત મહારાજ સુંદરી ઉપર મોહિત બન્યા હતા ત્યારે તપશ્ચર્યાએ ખોટી માદકતા ઓછી કરી આત્માનું ઓજસ પ્રગટ કરે છે એટલે કામને જીતવા માટે તપ એ અણમોલ ઉપાયછે.
તિર્યંચો પણ તપશ્ચર્યા કોઈક દ્વારા પ્રતિબોધ પામીને, જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત કરીને કે સહન કરીને પણ તપ કરે છે. ચંડકૌશીકે પંદર દિવસનું અનશન કર્યું, હાથીના ભવમાં સસલાને બચાવવા હાથી અઢી દિવસ સુધી ત્રણ પગ ઉપર ઊભો રહ્યો, નંદમણિયારનો આત્મા દેડકાના ભવમાં અંતિમ સમયે સમતાભાવ રાખ્યો એ તપના કારણે પહેલા દેવલોકે ગયેલ છે અને માનવી સવાર્થ સિદ્ધ વિમાન અને મોક્ષને પ્રાપ્ત કરે છે.
તપશ્ચર્યા કરવાથી શરીરની અંદરની ધાતુ તપે છે. સોનું, ચાંદીને તપાવવાથી તે વિશુદ્ધ બને છે તેમ તપ કરવાથી આત્મા પણ વિશુદ્ધ બને છે.
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે તપશ્ચર્યા કરીને પેટના કીડા મારી નાખવા તેના કરતા આત્માનું ધ્યાન કરી ધર્મ આરાધના શું કામ ન કરવી?
તપશ્ચર્યા કરવાથી પેટના કીડા મરી જતા નથી પરંતુ આહાર આદિના અભાવે તે કીડા આપણા શરીરનું માંસ, લોહી આદિ ખાય છે. તપશ્ચર્યા કરવાથી પેટના મળનું શુદ્ધિકરણ થાય છે તેનાથી ધ્યાન પણ સારુ ધરી શકાય છે.
પ્રાકૃતિક ચિકિત્સામાં શરીરને સુંદર કરવા માટે પણ તપ કરાવવામાં આવે છે એટલે તપશ્ચર્યા બાહ્ય મળ તથા આત્યંતર મળ બેઉ કાઢે છે. ટાઈફોઈડના દર્દીને પણ ડૉક્ટર લાંઘણ કરવાનું કહે છે તે રીતે તપ બધી દષ્ટિએ ઉપયોગી છે. આ તો આપણે અનશન રીતે તપની વાત કરી, પણ ડૉક્ટરને બાહ્ય છે એ તપનાં શરણાં લેવા પડે છે. પેટના દર્દીને ડૉક્ટર ઓછું ખાવાનું કહે છે એટલે ઉણોદરી તપ થયો, પણ તે તપ મોહરાજાનો કહેવાય છે. અમુક જ દ્રવ્યો ખાવાના કહે છે એ વૃત્તિસંક્ષેપ તપ થયો, કામ વગર જેને ગમતુ ન હોય એને સૂતાં જ રહેવાનું કહેવામાં આવે. ઊઠવાની કે બહાર જવાની મનાઈ કરવામાં આવે તે કાયકલેશ તપ થયો. સારી રસવંતી અને ચટાકેદાર સ્વાદષ્ટિ દ્રવ્યો ખાવાનું બંધ કરાવી દે છે અને સાદુ ભોજન કરવાનું કહીને રસપરિત્યાગ તપ કરાવે છે. હલન-ચલન કરવાની મનાઈ કરવામાં આવે છે. ગોળીમાં પણ ઘેન હોવાના કારણે સૂતા જ રહેવાનું થાય છે. તે સંલીનતા તપ થયો. આવી રીતે ડૉકટરો પણ આડકતરી રીતે છ પ્રકારનો બાહ્ય તપ કરાવે છે. આમ તપનું વિવિધ રીતે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.