________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ઉત્પત્તિનું મૂળ પોઈન્ટ બતાવ્યું. હવે ત્યાં જ ટર્નિંગ પોઈન્ટ છે.. એટલે વાસ્તવિક વસ્તુ સ્થિતિનો સ્વીકાર આવતાં જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાનનું સાચું જ્ઞાન થાય તો જ્ઞાન પ્રગટ થાય છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા-૧૪ માં કહ્યું કે- “જ્ઞાની અજ્ઞાનીને પદાર્થના પ્રતિભાસ સંબંધી તફાવત છે.”
સ્ફટિકમણિની સામે લાલ ફૂલ છે. બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. સ્ફટિકની સ્વચ્છતા લાલ ફૂલમાં જતી નથી અને ફૂલની રતાશ ઉડીને સ્ફટિકમાં આવતી નથી. સ્ફટિકમણિની સ્વચ્છ પર્યાયમાં માત્ર લાલફૂલનો પ્રતિભાસ થાય છે ત્યારે તેને જોનારા બે જીવો છે(૧) અપરીક્ષક (૨) પરીક્ષક. જો સ્ફટિકની પર્યાય લાલ થઈ ગઈ હોય તો બન્નેને લાલ દેખાવી જોઈએ. એક કહે છે– સ્ફટિકમણિ લાલ છે, બીજો કહે છે- સ્ફટિકમણિ દ્રવ્ય-ગુણ અને પર્યાયે સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ જ છે. અને રતાશ છે તે ફૂલની છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોનારો પરીક્ષક હોવાથી તેને સ્ફટિકમણિની સામે લાલ ફૂલનો સંયોગ છે તે કાળે સ્ફટિકની પર્યાય સ્વચ્છ જણાણી. અને અપરીક્ષક છે તે સંયોગદૃષ્ટિથી વસ્તુને નિહાળે છે તો તેને ભ્રાંતિ થાય છે કે સ્ફટિક લાલ થઈ ગયું.
ભ્રાંતિ થવાનું કારણ આગળ કહ્યું કે સામે જેવા પદાર્થાકાર છે તેવા જ પ્રકારે અહીં જ્ઞાન શેયાકારપણે થાય છે. જાણે છે તો નૈમિત્તિક જોયાકારને અને ભ્રાંતિ થાય છે કે મેં નિમિત્તભૂત જોયાકારોને જાણ્યાં- તેથી ઇન્દ્રિયજ્ઞાન ચાલુ હતું અને ચાલુ રહ્યું.
જ્ઞાન શરીરને ક્યારે જાણી શકે ? જ્ઞાન શરીરથી તન્મય થાય તો જ્ઞાન શરીરને જાણી શકે. જ્ઞાન શરીરથી તન્મય તો થતું નથી; તે જાણે છે તો શરીરાકારપણે જે શેયાકારજ્ઞાન પરિણમ્યું છે તેને, તો પણ અખંડ એકરૂપ સ્વભાવનું ભાન નહીં હોવાથી... તેને ભ્રાંતિ થઈ કે મેં શરીરને જાણ્યું. આમ શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થતાં શેયાકાર અખંડ જ્ઞાનને ખંડ-ખંડ કરી નાખ્યું.
યોગસાર પ્રાભૂતમાં અમિતગતિ આચાર્યદેવ કહે છે કે- “ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે. શરીર ઇન્દ્રિયજ્ઞાનથી જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે.” ઇન્દ્રિયજ્ઞાન અચેતન શેય હોવાથી તેમાં શરીરથી ભિન્નત્વ કરાવવાની શક્તિનો જ અભાવ છે. વળી અજ્ઞાનમાં પણ માત્ર શરીરાદિ પરનો જ પ્રતિભાસ થતો હોત તો સમયસાર ગાથા ૧૭-૧૮ નું સૂત્ર ખોટું પડી જાત. ખૂબી તો એ વાતની છે કે-મિથ્યાત્વ હોવા છતાં પણ તેના જ્ઞાનમાં સ્વ-પર પ્રકાશકતા ગઈ નહીં. અજ્ઞાનીને પણ તેની પરલક્ષી જ્ઞાનની પર્યાયમાં પણ તેનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. તેથી પ્રત્યેક જીવની વર્તમાન જ્ઞાન પર્યાયનો જે સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે તેનો કદી અભાવ થતો નથી.