________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૭૭ અને પુદ્ગલને આત્માથી જુદાં કહ્યાં એટલામાં જ આત્મા ભૂતાર્થ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે તે તેના જ્ઞાનમાં ગ્રહણ થઈ શકે એવી એની તાકાત છે. આત્મા ન જણાય એમ નથી. રાગ દ્વેષથી, વિકલ્પથી અને એ બધા પુદ્ગલથી જુદો કહ્યો અને આત્માથી તેને જુદાં કહ્યાં એટલું કહેતાં સત્યાર્થ ભૂતાર્થનું (જ્ઞાનમાં ગ્રહણ થઈ જાય છે.)
આચાર્ય મહારાજે બહુ જ સંક્ષેપમાં સાર કહ્યો છે. “તત્ત્વ સંગ્રહ” અર્થાત્ ભગવાન આત્માને પુણ્ય-પાપ શરીરાદિથી જુદો કહેતાં અને આત્માથી તે પુદ્ગલને જુદું કહેતાં-ભગવાન જે ભૂતાર્થ સત્યાર્થ છે એ દૃષ્ટિમાં, નિર્ણયમાં આવી ગયો. આત્માનું પરથી ભિન્નપણું અને આત્માથી એનું ભિન્નપણું અંતરમાં ભાસતા તત્ત્વનો સંગ્રહ થઈ ગયો. જ્ઞાયકભાવનું જ્ઞાન થતાં તેમાં આનંદ છે તે પણ તેના જ્ઞાનમાં આવી ગયો, કેમકે તેમાં પ્રમેયત્વ છે માટે જ્ઞાનમાં પ્રમેયપણું ભાસી ગયું. આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ છે માટે તે ગુણમાં એમ ભાસ્યું કે- આત્માનું કોઈ કાર્ય નથી અને આત્મા કોઈનું કારણ નથી આત્માનો એ ગુણ છે. આત્મામાં પરમેશ્વર નામનો ગુણ પડયો છે–એ પ્રભુતા ગુણ છે એ પ્રમેય થવાને લાયક છે.
ભગવાન આત્મા પરમેશ્વર પૂર્ણ ઈશ્વર છે. અનંતગુણની ઈશ્વરતા સંપન્ન પ્રભુ આત્મા છે. આત્મામાં એક પ્રભુતા નામનો ગુણ છે તેથી અનંતાગુણમાં પરમેશ્વરતા વ્યાપી છે. એવા પરમેશ્વર સ્વરૂપ ભગવાનને (પુણ્ય-પાપાદિથી) ભિન્ન કહેતાં; તેના જ્ઞાનમાં આત્માનો નિર્ણય આવી ગયો. કે- ઓહો! આ આત્મા! અનંત અનંત પ્રભુતા, પ્રમેયત્વે આદિ ગુણોથી ભરેલો પદાર્થ છે, તેમ ભૂતાર્થનું દૃષ્ટિમાં ભાન થઈ જાય છે. જે અનંતકાળમાં નહોતું થયું તે સ્વને શેય બનાવી ને પ્રમેય બનાવી પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમેય પણ છે–એમ એનો નિર્ણય ને ગ્રહણ થઈ જાય છે. ઝીણું બહુ પણ ટૂકું.. અને ઘણું સરસ. એણે કોઈ દિવસ સ્વને પ્રમેય બનાવ્યો નથી. સમજાય છે કાંઈ ?
આ જગતના પદાર્થ જોવા મળે છે કે નહીં! તો કહે છે કે એ પદાર્થ તો તારાથી જુદા છે. આ રાગને જોવા મળે છે તો રાગ તો તારાથી જુદો છે. શરીરને જોવા મળે છે તો એ શરીર તો તારાથી જુદું છે. અને એનાથી જુદો તું છો એ (આત્માને) જોવાનું કદી મંથન કર્યું નથી. આ સંચાના જ્ઞાન ને ધૂળના જ્ઞાન ને વકીલાતના જ્ઞાન ને ડોકટરના જ્ઞાન ને.. એ બધાને પ્રમેય બનાવ્યા પણ, પોતાનામાં પ્રમેય નામનો ગુણ છે તેને કોઈ દિ' પ્રમેય બનાવ્યો નથી.
આટલું કહેતાં તો તેને ભેદ (જુદાઈ ) થઈ જાય. આને ભેદજ્ઞાન કહ્યું. ભગવાન આત્મા છે તે રાગાદિથી જુદો છે. એટલે તેનું વર્તમાન જ્ઞાન તેના પૂર્ણ શેય તરફ ઢળતા તેના અનંતગુણરૂપ એક આત્મા તેના જ્ઞાનમાં પ્રમેય થઈને સાચું પ્રમાણજ્ઞાન થાય છે.
આત્મામાં આનંદ છે—એ રાગથી ભિન્ન અને પોતાથી એ રાગાદિ ભિન્ન એમ જ્યાં કહ્યું ત્યાં એનો અર્થ એ થયો કે- (તેનો નિર્ણય થયો.) ભગવાન ભૂતાર્થ આનંદ સ્વરૂપથી ભરેલો છે. અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે. આત્માનું