________________
૩૮૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ભોગવતો પ્રતિભાસો પણ પરને અનુભવતો ન પ્રતિભાસો સંસાર દશામાં દુઃખને ને મોક્ષદશામાં આનંદને અનુભવતો પ્રતિભાસો પણ કર્મને કે શરીરને આત્મા અનુભવતો ન પ્રતિભાસો.
એ રીતે જીવ પોતાના જ પરિણામનો કર્તા-ભોક્તા છે પણ કર્મના કે શરીરાદિ પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી. (આત્મધર્મ અંક ૪૨૮ પેઈજ નં ૬૧૩માંથી)
હવે અવ્યક્તનો પાંચમો પ્રકાર સમજાવે છે
વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે કેવળ વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. વર્તમાન વ્યક્ત પર્યાય તે કાર્ય છે, અને ધ્રુવ અવ્યક્ત તે કારણ છે, એ કારણ અને કાર્ય બને વર્તમાનમાં એક સાથે છે, તેમને કાળભેદ નથી અને તે બન્નેના જ્ઞાનનો પણ કાળભેદ નથી. દ્રવ્ય-પર્યાય બને એક સાથે છે અને જ્ઞાનમાં તે બન્ને એક સાથે પ્રતિભાસે છે. બન્ને એક સાથે જણાવા છતાં એકલી પર્યાયને જ જાણતો નથી માટે આત્મા અવ્યક્ત છે.
વસ્તુમાં વ્યક્તપણું અને અવ્યક્તપણું અને એક સાથે છે, અને જ્ઞાન પર્યાયમાં દ્રવ્ય-પર્યાય બન્નેને એક સાથે જાણવાનું સામર્થ્ય છે. એક પર્યાયના સામર્થ્યને જાણતાં દ્રવ્ય-પર્યાય બન્નેનું જ્ઞાન પણ ભેગું આવી જતું હોવા છતાં, એકલી પર્યાયને જ જાણતો નથી. પણ દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયનું જ્ઞાન કરે છે.
જુઓ! સમ્યક્ શ્રધ્ધા જ્ઞાન એ પર્યાય છે અને તે આખા દ્રવ્યને કબુલે છે, એટલે તે પર્યાયને જાણતાં તેના વિષયરૂપ આખા દ્રવ્યનું જ્ઞાન પણ તેમાં આવી જાય છે પરંતુ તેથી જ્ઞાન એકલી વ્યક્ત પર્યાયને જ જાણે છે અને અવ્યક્ત દ્રવ્યને નથી જાણતું' - એમ નથી. જ્ઞાન તો અવ્યક્ત એવા દ્રવ્યને અને વ્યક્ત પર્યાયને બંનેને જાણે છે. જ્ઞાનમાં દ્રવ્ય-પર્યાય બંને એક સાથે જણાતાં હોવા છતાં, તે જ્ઞાન અવ્યક્ત દ્રવ્યની તરફ વળીને તે દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને જાણે છે. એકલી વ્યક્ત પર્યાયને જાણતાં પરમાર્થ આત્મા જણાતો નથી પણ અવ્યક્ત દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને જાણનારા જ્ઞાનમાં જ આત્મા જણાય છે. તેથી તે અવ્યક્ત છે.
જેમ કેવળજ્ઞાનને જાણતાં લોકાલોકના શેયોનું જ્ઞાન પણ થઈ જાય છે તેમ એક પર્યાયના સામર્થ્યને જાણતાં તેમાં દ્રવ્ય-પર્યાય બન્નેનું જ્ઞાન આવી જતું હોવા છતાં, એકલી પર્યાયને જ આત્મા નથી જાણતો માટે તે અવ્યક્ત છે. એકલી પર્યાયને જાણતાં ભગવાન આત્માનું સ્વરૂપ જણાતું નથી, પણ દ્રવ્યના જ્ઞાન સહિત પર્યાયને જાણે તો ભગવાન આત્માનું સ્વરૂપ જણાય છે. એ રીતે અવ્યક્તના પાંચ બોલ કહ્યાં, હવે છેલ્લો બોલ કહે છે.
પોતે પોતાથી જ બાહ્ય-અત્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ