________________
૩૮૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જેને મંદકષાયના રાગની રુચિ છે તેને વિકારનું થવું જ ભાસે છે, ભગવાનનું થવું ભાસતું નથી. જેને વેપારમાં આત્માનું પોષાણ થયું તેને રાગનું પોષાણ થતું નથી, રાગ થાય પણ રાગનું પોષાણ થવું – પ્રેમ થવો તે હોતું નથી. દશાવાનની સન્મુખ થઈને દશામાં દશાવાનનું થવું થયું તેને પુણ્ય પાપના પ્રેમનું થવું ભાસતું નથી. ધર્મની જેને રુચિ ને પ્રેમ થયો છે, ધર્મદશા થઈ છે તેને વિકારનું થવું ભાસતું નથી. વિકારનું જ્ઞાન થાય છે પણ વિકારના પ્રેમરૂપ થવું ભાસતું નથી.
વસ્તુ જે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ એનું જેને જ્ઞાન થયું તેને આત્મા ભાસે છે, તેને રાગનું થવું ભાસતું નથી એટલે કે રાગ મારો છે તેમ તેને ભાસતું નથી, રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન તે જ્ઞાનનું થવું ભાસે છે, પોતાનું જ્ઞાન ને રાગનું જ્ઞાન તે જ્ઞાનપણે ભાસે છે પણ વિકારપણે ભાસતું નથી. જેને પુણ્ય-પાપનો પ્રેમ છૂટી અંદર પરમાત્મસ્વરૂપનો પ્રેમ થઈ ગયો છે તેને આત્મા ભાસે છે પણ વિકાર ભાસતો નથી. વિકાર હોય છે તેનું જ્ઞાન થાય છે પરંતુ રાગનું થવું ભાસતું નથી એટલે કે રાગ મારો એમ ભાસતું નથી.
જેને અંદરમાં પુણ્ય - પાપની હોંશ છે તેને તો પુણ્ય - પાપ અને વિકાર જ ભાસે છે, જેને પર્યાયમાં ક્રોધાદિ ભાસે છે તે મિથ્યાદેષ્ટિ છે. વિકારી પરિણમનના પ્રેમમાં વિકાર જ ભાસે છે તેથી તેને જ્ઞાનનું થવું આત્માના પ્રેમનું થવું ભાસતું નથી. વિકારનું થવું જેને ભાસ્યું તેને જ્ઞાનનું થવું ભાસતું નથી. કેમ કે તેને આત્માના જ્ઞાનનું પરિણમન છે જ નહીં માટે ભાસતું નથી, જેને રાગનું પરિણમન ભાસે છે તેને આત્મા નથી, આત્મા છે તો ખરો પણ તેને ભાસતો નથી માટે તેને આત્મા નથી.
વિકારના પ્રેમમાં વિકાર ભાસે છે તેને આત્માના આનંદનું - જ્ઞાનનું પરિણમન હોતું નથી માટે જ્ઞાનનું પરિણમન ભાસતું નથી. હું રાગપણે છું એમ જેને ભાસે છે તેને આત્મા આત્માપણે ભાસતો નથી. મહાપ્રભુ આનંદનો નાથ તેનો તને ભરોસો નહીં, તેના હોવાપણાનો તને ભરોસો નહીં ને પુણ્ય – પાપના હોવાપણાનો તને ભરોસો ને પ્રેમ છે; ભાઈ ! તું પુણ્યના પ્રેમને પંથે ચઢીને તારા ઘરનો માર્ગ ભૂલી ગયો છે બાપુ!
પુણ્યના પરિણામ બંધતત્ત્વ છે ને મારી ચીજ અબંધસ્વરૂપ છે તેમ ભેદવિજ્ઞાન થતાં અજ્ઞાનથી જે કર્મના રજકણનો નવો બંધ થતો હતો તે બંધ જ્ઞાનીને થતો નથી. મુખ્ય તો મિથ્યાત્વનો બંધ તે જ બંધ છે, જ્ઞાની થતાં તે મિથ્યાત્વના બંધનો નિરોધ થઈ જાય છે એટલે કે જ્ઞાનમાત્ર થતાં બંધ થતો નથી. રાગથી ભિન્ન થયો ને આત્માનું જ્ઞાન થયું ત્યાં અજ્ઞાનમાં જે રાગ ભાસતો હતો તે હવે જ્ઞાની થતાં જ્ઞાન ભાસે છે ત્યારે અજ્ઞાનથી થતો બંધ ટળી જાય છે.
આમ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થતાં અજ્ઞાન મટે છે. અજ્ઞાન મટવાથી અજ્ઞાનથી થતો બંધ પણ અટકે છે, એ રીતે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે.
(આત્મધર્મ અંક ૪૦૩ પેઈજ નં-૧૮ થી ૨૩ માંથી)