________________
૩૭૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સત્યાર્થ ભૂતાર્થ સત્ય સ્વરૂપ છે એના તરફ લક્ષ કરતાં, પરથી જુદું પોતા તરફના લક્ષમાં જતાં એ ભગવાન આખો જ્ઞાનમાં ગ્રહણ અને નિર્ણય થઈ જાય છે. પાઠમાં “ગ્રહણ અને નિર્ણય” આ બન્ને શબ્દો લીધા છે. ગ્રહણનો અર્થ કર્યો છે—જાણવું ને નિર્ણય બેય થઈ જાય છે.
આ આત્માથી રાગાદિ ભિન્ન છે એટલે તેને જોવાનું ન રહ્યું. એનાથી ભિન્ન આત્માને એને જોવાનું રહ્યું. આત્માને જોતાં એનાથી ભિન્ન એવા રાગ, વિકલ્પ, શરીર એનું લક્ષ છોડીને એનાથી આ ભિન્ન અને આનાથી એ ભિન્ન તો પછી આને (પરને) જોવાનું ન રહ્યું. કારણ કે જોનારને જાણ્યા વિના આ ભિન્ન શું ચીજ છે તેને વ્યવહારથી પણ જાણી શકાય નહીં. શું કહ્યું? સમજાણું કાંઈ આમાં?
શું કહ્યું? સત્યાર્થ આત્માનો નિર્ણય તે એક જ લીધું છે. (એક ભૂતાર્થ) ત્યાંથી લીધું છે. બે કહ્યાં તેનો હેતુ શું છે? બેમાં એમ જાણ્યું કે આ આનાથી ભિન્ન અને એનાથી
આ' ભિન્ન એ તો ઠીક પણ એ ભિન્ન છે એનાથી આ (સ્વ) જુદો–એટલી વાત. હવે એમાંથી તારવવું શું? અહીંયા એમાંથી કાઢવું શું? એનો નિચોડ શું? “હું આત્મા” એનાથી આ જુદું જુદું એટલે કોણ? કહે–આત્મા. જે ભૂતાર્થ જ્ઞાયક અનંતગુણ સંપન્ન છે, જે વર્તમાન છે તેનું જ્ઞાન કરતાં તે પ્રમેય થઈને આખું દ્રવ્ય તેના જ્ઞાનમાં જણાય છે. આખા દ્રવ્યનો તેને નિર્ણય થઈ જાય છે.
શું કહે છે? એ જ્ઞાયક ઉપર નજર જતાં, વિકારને પરથી જુદો એમ નજર જતાં જ્ઞાયકમાં એવી તાકાત છે કે તેની શ્રદ્ધામાં જ્ઞાનમાં (જોય થઈ ) આવી શકે, તેનો આનંદ પ્રમેય થઈ શકે, પરમાં તેનું કર્તાપણું નથી એવું જ્ઞાનમાં આવી શકે, પોતાના ગુણની દશાનું કાર્ય કરી શકે એવા ગુણને પ્રમેય કરી શકે એવો એક આત્મા છે. આ રીતે ભગવાન આત્મા જે ભૂતાર્થ છે તેનો નિર્ણય અને ગ્રહણ કરી શકે છે.
કોઈ એમ કહે કે- આત્મા જણાતો નથી. તો અહીં કહે છે કે – જણાતો નથી એવો એનામાં ગુણ નથી. “જણાતો નથી' એમ કહેનાર (વસ્તુમાં) પ્રમેય થવાનો ગુણ છે તેનો નિષેધ કરે છે. આત્માનો ગુણ પ્રમેય થવાને લાયક છે તેનો નિષેધ કરે છેએટલે કે આત્મા નથી એમ એનો નિષેધ કરે છે. હું મને ન જણાઉં એમ કહેતાં ભગવાન આત્માનો નિષેધ થઈ જાય છે. ન્યાય સમજાય છે કાંઈ? આચાર્યદેવ બહુ જ ટૂંકામાં સમજાવે છે કે- પરથી જુદો એમ તું તને જણાવવાને લાયક છો અને તારાથી રાગાદિ જુદા એમ તારા જાણવામાં જણાવવાને લાયક છો. “હું ભગવાન આત્મા! હું મને ન જણાઉં” તો તો “હું' એવી સત્તા તે સત્તા મને ન જણાય-એનો અર્થ એમ કે હોવાપણાની સાથે પ્રમેયગુણ વ્યાપેલો છે; તેથી હોવાપણાનો ભાવ ન જણાય એમ કહેનાર પોતાના હોવાપણાનો નિષેધ કરે છે.
કહે છે કે ભગવાન આત્મા આમ નિરાળો કર્યો. આ કાચના કટકા અને આ હીરો. એ હીરો કાચના કટકાથી જુદો છે અને હીરાથી કાચના કટકા જુદા છે. હવે જુદા થયા તો નજર ક્યાં ગઈ? જે જાણનાર છે તેના પર નજર ગઈ આ જાણનાર અહીં છે.