________________
૩૭૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સ્વચ્છ પર્યાયમાં એક સાથે અનંત પદાર્થો જણાય છે છતાં પર્યાયમાં અનેકતા થતી નથી, વિકાર થતો નથી; એવું કેવળજ્ઞાન તે ચૈતન્યનો ચમત્કાર છે. આચાર્ય ભગવાન માંગલિક કરતાં કહે છે કે- એવા કેવળજ્ઞાનરૂપી ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે ! આત્મામાં કેવળજ્ઞાન દશા પ્રગટી તે જયવંત વર્તે છે.
જુઓ ! આજે સુપ્રભાત મંગળ છે. ગઈકાલે પરોઢિયે શ્રી મહાવીર પ્રભુ મુક્તિ પામ્યા ને સાંજે શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા, તેનાં આ ગાણાં છે. આત્મામાં એવી કેવળજ્ઞાન અને સિદ્ધ દશા પ્રગટે તે સુપ્રભાત છે.
જાણવું તે જ ચૈતનયનો ચમત્કાર છે. જ્ઞાન ઘણું જાણે તો પણ તેની એકતા તૂટતી નથી. જ્ઞાન આત્મ સ્વભાવમાં જ એકતારૂપે પરિણમી ગયું છે, હવે તે એકતામાં ખંડ પડતો નથી. ઘણા લાડવાનો ઢગલો પડ્યો હોય તે બધા લાડવા ખાઈ ન શકાય, પણ એક સાથે જાણી શકાય. ઘણા લાડવા એક સાથે ખાય તો પેટ ફાટે પણ લાડવાનો મોટો ઢગલો હોય તેને જ્ઞાન જાણે તો જ્ઞાન કાંઈ ફાટતું નથી, જ્ઞાનમાં ખંડ પડતા નથી. ઘણા રોટલી-કેળાં હોય, ત્યાં અમુક ખવાય, બધા એક સાથે ખાઈ ન શકાય, પણ જ્ઞાન એક સાથે તેને જાણે તો ય જ્ઞાનમાં ભાર પડે નહીં, અનંત પદાર્થોને એક સાથે જાણે છતાં જ્ઞાન પર્યાય એક મટી ને બે ન થઈ જાય. જ્ઞાનના એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ અંશો હોવા છતાં પર્યાયની એકતા છે, અનંત અવિભાગ પ્રતિચ્છેદોને લીધે એક પર્યાયના અનંત ખંડ પડી જતા નથી; પણ અખંડતા જ રહે છે. આવું સ્વાભાવિક કેવળજ્ઞાન પ્રગટયું તે જ બેસતું વર્ષ છે. જેના આત્મામાં એવું કેવળજ્ઞાન પ્રગટયું તેને ફરીથી અવતાર નથી.
જેણે એવા કેવળજ્ઞાનની પ્રતીત કરી-શ્રદ્ધા કરી તેણે પોતાના આત્મામાં કેવળજ્ઞાન લેવાનાં પગરણ માંડયાં છે, કેવળજ્ઞાન માટે પ્રસ્થાનું મૂક્યું છે. કેવળજ્ઞાન જયવંત વર્તે છે” એમ જેણે પૂર્ણજ્ઞાનની પ્રતીત અને આદર કર્યો તે જીવ અપૂર્ણતાને કે વિકારને આદરે નહીં, નિમિત્તનો આશ્રય માને નહીં, પણ પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવનો આદર તથા આશ્રય કરીને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પામીને વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
કેવળજ્ઞાનમાં લોકાલોકના સર્વ પદાર્થો નિમગ્ન થાય છે અથવા ઝળકે છે એમ આ કળશમાં કહ્યું છે તે જ્ઞાનનું સામર્થ્ય બતાવવા કહ્યું છે, જ્ઞાનમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય પ્રગટી ગયું છે તે બતાવવા માટે એમ કહ્યું છે. ખરેખર કાંઈ પરવસ્તુઓ જ્ઞાનમાં પ્રવેશી જતી નથી, અથવા અરીસાની જેમ જ્ઞાનમાં કંઈ પરવસ્તુનું પ્રતિબિંબ ઝળકતું નથી. જ્ઞાન તો અરૂપી છે. તેમાં પર વસ્તુ કઈ રીતે ઝળકે? માત્ર જ્ઞાનમાં બધું જાણવાનું સામર્થ્ય પ્રગટી ગયું છે અને બધા પદાર્થો જ્ઞાનમાં જણાય જાય છે તે અપેક્ષાએ કથન છે. (આત્મધર્મ-૬૨, પેઈજ નં.-૪૩-૪૪-૪૫)