________________
૨૯૧
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
કાર્તિકેયાનુંપ્રેક્ષા પ્રવચન ભાગ-૧ [ ] અહો ! જાણે અત્યારે જ સાક્ષાત્ ભગવાન પાસે બેઠા હોઈએ ને દિવ્ય ધ્વનિ સાંભળતા હોઈએ- એમ પૂર્વ કાળને વર્તમાન પણે જ લક્ષમાં લેવો તે નૈગમનાય છે.
ભૂતકાળમાં ભગવાનનો સાક્ષત્ ઉપદેશ સાંભળ્યો હોય, તેને જ્ઞાનના બળે વર્તમાનમાં જોડી દેવો કે અહો ! અત્યારે જ અમે ભગવાનની સન્મુખ બેઠા છીએ ને ભગવાનની વાણી સાંભળી રહ્યા છીએ- આ પ્રમાણે કાળનો ભેદ તોડીને ભૂતકાળની પર્યાયને વર્તમાનપણે સાધવી તે નૈગમનાય છે. ભૂતકાળમાં ભગવાન પાસે સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળી હોય, ત્યાં તેને મુખ્ય કરીને વર્તમાનમાં એમ કહેવું કે અહો ! અમે ભગવાન પાસે બેઠા છીએ ને ભગવાનની વાણી ઝીલી રહ્યા છીએ. ગણધરો, સંતો બેઠા છે-એમ ભૂતને વર્તમાનપણે જાણવું તે નૈગમનાય છે. આમાં જ્ઞાનનો પુરુષાર્થ છે. જ્ઞાનીને જ આવો નય હોય છે.
એ જ પ્રમાણે ભૂતકાળમાં ગીરનાર પર્વત ઉપરથી નેમિનાથ ભગવાન મોક્ષ પધાર્યા, તેને વર્તમાનમાં યાદ કરીને કહેવું કે અહો ! ભગવાન અત્રેથી જ મોક્ષ પધાર્યા! જ્ઞાનબળે ભૂતકાળને વર્તમાનપણે જાણે છે. અહો ! જાણે કે મારી સન્મુખ જ નેમિનાથ ભગવાન ગીરનાર ઉપરથી ઊર્ધ્વગમન કરી રહ્યા હોય- એમ પોતાના જ્ઞાનમાં કાળભેદ કાઢી નાખીને જાણવું તે નૈગમનાય છે.
સિધ્ધ પર્યાય છે તથા આ મનુષ્ય પર્યાય છે એમ કહે તો ત્યાં સંસાર પર્યાય તો અતીત-અનાગત-વર્તમાન ત્રણકાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન-વિધમાનવત્ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે છે “આ દ્રવ્યમાં મારા જ્ઞાનમાં હાલ આ પર્યાય ભાસે છે' એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે, આમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે. જેની સ્થિતિ અલ્પભવ રહી હોય તે જ જીવ જિનપ્રતિમાને જિન સમાન જાણે છે. પોતાને પોતાના સ્વભાવની ઉગ્રતા થઈ છે, ત્યાં સામે ભગવાનને પણ સાક્ષાત્ જ જાણે છે. પૂર્વે ભગવાન જોયા હોયને વર્તમાનમાં વિરહ્યું હોય, પણ નૈગમનયના બળે જાણે વર્તમાનમાં જ ભગવાન સાક્ષાત્ હોય- એમ સંકલ્પ કરીને જ્ઞાની તે વિરહને તોડી નાખે છે.
જુઓ ! તીર્થકર જન્મે ત્યાં ઇન્દ્ર-ઇન્દ્રાણી આવીને તાંડવનૃત્ય કરે, શરીર વાંકુંચૂકું કરીને ભક્તિથી નાચે, ઇન્દ્ર ક્ષાયિક સમકિતી છે, ઇન્દ્ર-ઇન્દ્રાણી બંને એકાવતારી છે, પણ તીર્થકર ભગવાન પ્રત્યે આવો ભક્તિભાવ ઊછળે છે. બાળક જન્મ્યા ત્યારથી જ તેને તીર્થંકરપણે ભાળે છે! સમ્યગ્દર્શન સહિતના સમ્યજ્ઞાનમાં આવો નૈગમનય હોય છે. ભક્તિનો ઉત્સાહ આવતાં ભાવિ તીર્થકરને વર્તમાનપણે દેખે, અહો નાથ ! આપ તીર્થકર છો, એમ નૈગમનયથી જ્ઞાનને લંબાવીને કાળ ભેદને તોડી નાખે છે. ઇત્યાદિ અનેક પ્રકારના નૈગમનય જાણવા. તે દ્રવ્યાર્થિકનયનો એક પ્રકાર છે.
(પેઈજ નં.-૪૦૦ થી ૪૦૫ ગાથા-ર૭૧)