________________
૩૬૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અને ભગવાનનું સ્મરણ એ પણ નિજભાવ નથી, વિકારી ભાવ છે તેમાં એકત્વબુદ્ધિ તે સંસારનું બીજ છે.
ચૈતન્યદેવ રાગથી રહિત છે છતાં અજ્ઞાનીને રાગરહિત ભાસે છે, એ પ્રતિભાસ જ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. ચાહે તો એ રાગ ભલે દુનિયાનું ભલું કરી દેવાનો હો, પરોપકાર કરવાનો કે દાન દેવાનો હોય પણ તે નિજભાવ નથી. દાનના ભાવ અને દાન યોગ્ય વસ્તુ બંનેથી આત્મા રહિત છે. છતાં તેનાથી સહિત માનવો તે પ્રતિભાસ સંસારનું બીજ છે.
બહુ ટૂંકા શબ્દોમાં ધર્મની અને અધર્મની વ્યાખ્યા અહીં આપી દીધી છે પણ જીવને ગળે ઊતરવી કઠણ પડે છે.
ચૈતન્યબિંબ પ્રભુ તું તો જગતચક્ષુ છો. તું પોતે જગતરૂપ નથી. આખી દુનિયા અને રાગ અને જગતરૂપ છે તેનાથી તે સહિત નથી, રહિત છો. છતાં તને તું કર્યજનિત ભાવોથી સંયુક્ત ભાસે છે- મેલવાળો ભાસે છે, એ પ્રતિભાસ જ તારા ભવનું કારણ છે.
આ દવાનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન એ બધાથી આત્મા રહિત છે. જો એ આત્માનું જ્ઞાન હોય તો તેનાથી આત્માને આનંદ આવવો જોઈએ પણ એ આત્માનું જ્ઞાન નથી, આત્મા તેનાથી રહિત છે; છતાં સહિત માનવો તે ચોરાશીના અવતારમાં રખડવાનું બીજ છે.
માણેક જેમ લાલ રંગનું છે તેમ સ્ફટિક લાલ રંગનું નથી પણ રતનના અપરીક્ષકને લાલ ઝાંયને કારણે સ્ફટિક જ લાલ છે એમ ભાસે છે. તેવી રીતે કર્મના નિમિત્તે આત્મા રાગાદિરૂપે પરિણમે છે તે રાગાદિ આત્માના નિજભાવ નથી. તીર્થકરગોત્રને યોગ્ય ભાવ થાય તો પણ નિજભાવ નથી. અહિંસા, સત્ય, આદિ ભાવો પણ જીવના નિજભાવ નથી એમ ધર્મી તો બરોબર જાણે છે પણ અજ્ઞાની અપરીક્ષક જીવ તેને નિજભાવ માને છે. જે ભાવથી પોતે રહિત છે તેનાથી પોતાને સહિત માનીને અજ્ઞાની ચૈતન્યના નિર્મળાનંદ સ્વરૂપને કલંક લગાડે છે.
જેમ લાલ ફૂલના સંગે સ્ફટિકમાં લાલ ઝાંય દેખાય છે પણ તે લાલાશ સ્ફટિકમણિની નિર્મળતામાં પેસી ગઈ નથી. તેમ કર્મના નિમિત્તે થતાં શુભાશુભ વિકલ્પ આત્માની શુદ્ધતામાં પેસી જતા નથી. આવા નિજ સ્વભાવને ઓળખે તેને ધર્મ થાય છે. આ પરમાત્માનો મારગ છે. રાગાદિ આત્માના સ્વરૂપમાં પેઠા વગર ઉપર ઉપર ઝલકરૂપે દેખાય છે. ચૈતન્યબિંબમાં રાગ પેસી શક્તો નથી. તે રાગ ભલે દેવશાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો હો ! પંચમહાવ્રતનો હો! કે શાસ્ત્ર ભણતરનો હો! એ બધો રાગ ઉપર ઉપર તરે છે, સ્વભાવમાં પેસતો નથી. આવા સ્વભાવની દૃષ્ટિ કરીને અનુભવ કરવો તે ધર્મ છે. (આત્મધર્મ અંક-૧૪૯, પેઈજ નં.-૩થી ૮ માંથી)