________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૬૯ છે. કેમકે પ્રમેયત્વગુણ આખા આત્મામાં વ્યાપેલો છે. માટે પ્રમેયત્વગુણનો નિષેધ કરતાં આત્માનો નિષેધ થઈ જાય છે.
કાચના કટકાની વચ્ચે હીરો પડ્યો હોય પણ તે હીરો અને કાચના કટકા જુદાં છે. તેમ પરદ્રવ્ય અને વિભાવની વચ્ચે રહેલો આત્મા તેનાથી જુદો છે. તે ચૈતન્ય હીરો જાણવા લાયક- જોવા લાયક છે. નિશ્ચયથી આત્માને જાણે ત્યારે પુદ્ગલ વિભાવ આદિને જાણવા તે વ્યવહાર છે. આત્માને જાણ્યા વગર પરને જાણવું તે વ્યવહારેય નથી. અહા ! વસ્તુનું સ્વરૂપ જ કોઈ એવું છે કે ચારે બાજુથી સત્ય ઉભું થાય છે.
પ્રભુ! તું પ્રભુતારૂપે પરિણમી જા એવી તારામાં તાકાત છે. તું પામરતારૂપે પરિણમ એવી તારામાં તાકાત નથી. આત્મા શરીરપણે છે કે વિકારપણે છે એમ જ્ઞાનમાં પ્રમેય થાય એમ તો બનતું જ નથી પણ આત્મા અલ્પજ્ઞપણે છે એમ પણ જ્ઞાનમાં પ્રમેય થતું નથી. આત્મા તો જ્ઞાનમૂર્તિ, આનંદમૂર્તિ, અનંતબળ સ્વરૂપ, સ્વચ્છસ્વરૂપ- એવા સ્વભાવરૂપ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો આત્મા છે.
આત્માને જાણ્યો ક્યારે કહેવાય? કે જ્યારે તેના ગુણોનું અભેદ સ્વરૂપ દેષ્ટિમાં આવી જાય ત્યારે આત્માને જાણ્યો કહેવાય. અનંતગુણનો લાભ શું છે તે જ્ઞાનમાં આવી જાય છે.
અનાદિથી અજ્ઞાની બહાર દૃષ્ટિ કરી-કરીને મરી ગયો છે. પોતાનાથી જુદાં એવા બધાને જોવા જતાં પોતે જોવાનો આખો રહી જાય છે... તેની તેને ખબર પણ નથી. અનંતકાળમાં કદી એણે સ્વરૂપનું મંથન કર્યું જ નથી. ખરેખર પોતાને જાણ્યા વગર પરને પણ જીવ જાણી શકતો નથી. નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી.
આ બધી વાતો જીવને અગમ-નિગમ જેવી લાગે છે. પણ બાપા! તું તો અગમ નિગમનો નાથ છો !
(આત્મધર્મ અંક-૧૫૧, સંવત ૨૦૪૫, પેઈજ નં.-૩૪-૫-માંથી)
પ્રભુની પ્રભુતા [ ] આ નવા વર્ષનું પ્રભાત છે, તેમાં માંગલિક તરીકે આત્માની પ્રભુતાની અપૂર્વવાત
નીકળી છે. જેને આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવ્યો તેના આત્મામાં સમ્યગ્દર્શનરૂપી પરોઢિયું થયું- અંશે સુપ્રભાત શરૂ થયું, હવે અલ્પકાળમાં સુપ્રભાત થશે અને ઝળહળતો કેવળજ્ઞાન સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવો ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે.
આત્મામાં પ્રભુત્વ સ્વભાવ છે. આત્માનો એકેક પર્યાય પણ સત્ અહેતુક સ્વતંત્ર પ્રતાપથી શોભે છે. આત્માના પ્રભુત્વ સ્વભાવનું ભાન અને એકાગ્રતા કરતાં જે કેવળજ્ઞાન પ્રગટયું તે કેવળજ્ઞાનની પ્રભુતા પાસે લોકાલોક પણ અલ્પ થઈ ગયા. સ્વભાવના આશ્રયે જ્ઞાનની બેહદતા ખીલી નીકળી ત્યાં લોકાલોકની હદ આવી ગઈ, જ્ઞાન લોકાલોકને પાર પામી ગયું. આવા જ્ઞાન સ્વભાવના ભાનમાં માંગલિક જ છે, સ્વભાવ તરફ વાળીને એકાગ્ર થયો ત્યાં અમાંગલિક કાંઈ રહે જ નહીં.