________________
૩૪૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરણેયનું સ્મરણ ધર્મીને થતું નથી. જ્યાં લીનતા છે ત્યાં જ તેનું જ્ઞાન છે.
આ આત્મા અનંત જ્ઞાન-દર્શન-આનંદના અસ્તિત્વ-સત્તાવાળું તત્ત્વ છે તેને સ્મરણમાં લેતાં બીજું વિસ્મરણ થઈ જાય છે. ત્યારે બહાર શરીરમાં પરિષહ્યું છે કે નહીં? ક્ષુધા તૃષા છે કે નહીં? પ્રતિકૂળતા ઉપસર્ગ આદિ છે કે નહીં તેનો ખ્યાલ એ વખતે ધર્મીને હોતો નથી.
અહીં કહેવાનો આશય એ છે કે જ્ઞાનીને પરિષહ આદિનું કષ્ટ જ નથી. બહારથી જોતાં લોકોને એમ લાગે કે બહુ પરિષહુ –ઉપસર્ગ આદિ કષ્ટ સહન કરે ત્યારે ધર્મ થાય-પણ એમ નથી. જ્ઞાનીનું જ્ઞાન જ્યારે સ્વરૂપમાં એકાકાર થાય છે ત્યારે બહારમાં શું, પરિષહ-ઉપસર્ગ આદિ પ્રતિકૂળતા છે તેનું લક્ષ પણ જ્ઞાનીને નથી. માટે જ્ઞાનીને બહુ પરિષહ સહન કરવા પડે છે એવું નથી. મુનિરાજ ધ્યાનમાં એકાકાર હોય છે ત્યારે બહાર શરીરને સિંહ ફાડી ખાતો હોય તેનો મુનિને ખ્યાલ પણ નથી. મુનિ તો પોતાના ધ્યાનમાં મસ્ત છે.
જે ધ્યાતા ધ્યાન અને ધ્યેયને એકાકાર કરે છે તેને પરિષહાદિનું ધ્યાન જ નથી, તેનું વિજ્ઞાન જ નથી; એટલે કે તેનું તેને ભાન જ નથી. તે વખતે જ્ઞાન જ નથી. લોકોને એમ લાગે છે કે-ઓહો ! આ તો કેટલું કષ્ટ સહન કરે છે પણ લોકોને ક્યાં ખબર છે કે એ કષ્ટ સહન કરતા નથી પરંતુ પોતાના ધ્યાનમાં લીન છે. સ્વરૂપ તરફના વલણમાં આનંદમાં લીન છે. શરીરમાં રોગ છે કે નહીં? અગ્નિમાં શરીર બળી રહ્યું કે નહીં? સિંહ- વાધ કે શિયાળ શરીરને ખાય છે કે નહીં? કોઈ દેવ કે મનુષ્ય ઉપસર્ગ કરે છે કે નહીં તેનું તેમને સ્મરણ જ નથી. તે તરફનો વિકલ્પ તો નથી પણ સ્મરણ પણ થતું નથી.
ભગવાન આત્માને શેય બનાવી-ધ્યેય બનાવીને જે તેના ધ્યાનમાં લીન થાય છે તેને તે પરિષહની સ્મૃતિ પણ થતી નથી. આ છે આત્માના ધ્યાનનું ફળ! કે પરિષાદિતરફનો વિકલ્પ તો નથી પણ સ્મરણેય નથી. એકલું આનંદનું વેદન છે.
આમ, જ્ઞાની જ્યાં શુદ્ધ સ્વરૂપમાં લીન થાય છે ત્યાં કર્મોનું આગમન પણ અટકી જાય છે. અને જૂના કર્મો છૂટતા જાય છે તેની નિર્જરા થઈ જાય છે. આ તો વ્યવહારથી કથન છે હોં ! ખરેખર તો જ્ઞાનીને પારદ્રવ્ય સાથે સંબંધ હતો જ ક્યારે તો છૂટે? બહુ ઝીણી વાત છે પણ ખ્યાલમાં લેવા જેવી વાત છે.
સંસારના કોઈ કાર્યના ઊંડા વિચારમાં જીવ પડયો હોય ત્યારે પાસેથી સર્પ ચાલ્યો જાય તેનું પણ ધ્યાન રહેતું નથી. એક ભાઈ કહેતાં હતાં કે હું ઓશીકા ઉપર ચોપડો લઈને નામું લખતો હતો ને ઓશીકા નીચેના પોલાણમાંથી સર્પ નીકળ્યો પણ મને ખબર ન પડી. પછી કોઈએ જોઈને કીધું ત્યારે ખબર પડી. અલ્યા સંસારના કામના ધ્યાનમાં પણ બહારનું ધ્યાન નથી રહેતું તો આત્માના ધ્યાન વખતે બહારનું ધ્યાન ક્યાંથી રહે?
(આત્મધર્મ અંક -૪૯૯, પેઈજ નં. ૧૩-૧૪)