________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૪૯ જોવાથી પણ તે શાંતિ નહીં આવે, પણ તે બધાના લક્ષને છોડીને તારી વર્તમાન અવસ્થાને ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાં એકાકાર કર, તો ત્રિકાળી સ્વભાવના આધારે અવસ્થામાં પરિપૂર્ણ શાંતિ પ્રગટ થાય.
શબ્દ વગેરે વિષયોમાં જરા પણ જ્ઞાન નથી તેથી તેનાથી તો આત્મા જુદો છે અને આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન છે, આત્મા અને જ્ઞાન જરાય જુદા નથી, - આમ ભેદજ્ઞાન કરીને સ્વભાવ તરફ ઢળે તો સ્વભાવના આશ્રયે જીવને સમ્યક્રમતિ-શ્રુતજ્ઞાન પ્રગટ થાય અને અલ્પકાળમાં ભવનો અંત આવે. આ સિવાય જે મતિશ્રુતજ્ઞાન પર લક્ષે જ કાર્ય કરે તે મિથ્યાજ્ઞાન છે. સ્વલક્ષે સમ્યજ્ઞાન પ્રગટ કર્યા વગર, કોઈ જીવ કષાય ઘટાડે તો તેને પાપાનુબંધી પુણ્ય બંધાય અને સાથે સાથે તે જ વખતે, આખા આત્મ સ્વભાવના અનાદરરૂપ મિથ્યાત્વથી અનંત પાપ બાંધે અને અનંતભવ વધારે.
(આત્મધર્મ અંક-૬૩-૬૪, પેઈજ નં-૯૦) જ્ઞાનનું કાર્ય
[ ] ભેદ વિજ્ઞાનીના જ્ઞાનનું કાર્ય -
ભેદ વિજ્ઞાની રસને જાણતા હોય ને અલ્પ રાગ થતો હોય, તે વખતે પણ જ્ઞાન સ્વભાવની એકતામાં જ તેનું જ્ઞાન કાર્ય કરી રહ્યું છે. રસ સાથે કે રાગ સાથે એકતાથી તેનું જ્ઞાન કાર્ય કરતું નથી. કોઈ સમયે સ્વભાવની એકતા છોડીને પરને જાણતા નથી, એટલે તેમને સમયે સમયે જ્ઞાનની શુદ્ધતા જ વધતી જાય છે.
[] અજ્ઞાનીના જ્ઞાનનું કાર્ય
અજ્ઞાની જીવો સ્વભાવને ન માનતાં બહારમાં સુખ માને છે. રસને જાણતાં એકાકાર થઈ જાય છે કે આ રસમાં ભારે મજા પડી, ભારે સ્વાદ આવ્યો ! અરે ભાઈ ! શેની મજા ? તારા આત્મામાં મજા સુખ છે કે નહીં. રસ તો જડ છે, શું જડમાં તારી મજા છે? અને શું જડ રસ તારા આત્મામાં ગરી જાય છે? તારી મજા તારું સુખ તો તારા જ્ઞાન સ્વભાવમાં છે. આખા જ્ઞાન સ્વભાવને, એક રસને જાણતાં જ્ઞાન ત્યાં જ –રાગ કરીને અટકી ગયું, તેને અજ્ઞાની જીવ રસનો સ્વાદ માને છે. પણ જ્ઞાન પરમાં ન અટકતાં, આત્મ સ્વભાવ તરફ વળતાં સ્વભાવનો અતીન્દ્રિય આનંદ આવે છે, તે જ સાચું સુખ છે. એ સિવાય બીજી કોઈ ચીજમાં સુખ નથી.
(આત્મધર્મ અંક-૬૫, ફાગણમાસ, પેઈજ નં.-૯૩)