________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એક સમયે અહીં-તહીંથી આવીને પાંચસો સુભટો એક્ઠા થઈ ગયા. તેઓ પરસ્પર સંપ રહિત હતા, અને દરેક અભિમાની હોવાથી પોતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કોઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીના વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેઓને સૂવા માટે એક જ પલંગ મોકલ્યો. હવે તેઓ દરેક ગર્વિષ્ઠ હોવાથી નાના-મોટાનો વ્યવહાર રાખતા નહોતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હું મોટો છું, માટે હું પલંગ ઉપર સૂઈશ; ત્યારે બીજો કહે કે, શું હું તારાથી હલકો છું ? મારા બાપદાદા કોણ ? મારું કુટુંબ કોણ ? શું તું પલંગ ઉપર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારાથી સહન થાય ? આવી રીતે તે અભિમાની સુભટોમાંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા; પણ પલંગ એક જ હતો, તેથી દરેક સૂઈ શકે તેમ નહોતું. છેવટે તેઓ એક ઠરાવ ઉ૫૨ આવ્યા કે – ભાઈઓ ! આપણે બધા મોટા છીએ, કોઈ કોઈથી ગાંજ્યું જાય તેમ નથી, માટે દરેકને સરખો હક છે; તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈએ, જેથી કોઈ કોઈથી નાનું-મોટું કહેવાય નહિ. આ પ્રમાણે વિવાદનો નિવેડો કરી તેઓ દરેક પતંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા, પરંતુ કોઈ પણ પલંગ ઉપર સૂતો નહિ. હવે રાજાએ તેઓનું વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઈને રાત્રિએ બનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે - આવી રીતે ઠેકાણા વિનાના, માંહોમાંહે સંપ વગરના, અને અહંકારી એવા આ સુભટો યુદ્ધાદિક શી રીતે કરી શકશે ? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનું અપમાન કરી કાઢી મૂક્યા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમુ
૧૫૪