________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
કોણ મૂર્ખ હોય કે એક ખીલી માટે આખા મહેલને પાડવાની ઇચ્છા કરે ? અહો ! મારું વગર વિચાર્યું સાહસ કેવું?, અરે ! મારી દુર્બુદ્ધિ કેવી કે આ જગદીશના અવતારને જીતવા આવ્યો? હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ?, અરે ! બોલવું તો દૂર રહ્યું, પરંતુ એમની પાસે કેવી રીતે જઈ શકીશ? અત્યારે તો હું પૂરેપૂરો સંકટમાં સપડાયો છું, હે શંકર ! મારા યશનું રક્ષણ કરજો. કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઉં”. ઇત્યાદિ ચિતવતા ઇન્દ્રભૂતિને શ્રીજિનેશ્વર પ્રભુએ અમૃત જેવી મધુર વાણીથી નામ અને ગોત્ર કહેવા પૂર્વક બોલાવ્યો કે - “હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી તે વિચારવા લાગ્યો કે - “અરે આ શું મારું નામ પણ જાણે છે? અથવા બાળકથી લઈને બૂઢા સુધી ત્રણે જગતમાં વિખ્યાત એવા મને કોણ ન ઓળખે?, સૂર્ય વળી કોઈથી છાનો હોય? પણ આને હું ત્યારે જ સર્વજ્ઞ માનું કે જો તે મારા મનમાં રહેલા ગુપ્ત સંશયને પ્રકાશિત કરે”. આ પ્રમાણે ચિતવતા ઇન્દ્રભૂતિને મંથન કરાતા સમુદ્ર સરખા, અથવા ગંગાના પૂર સરખા, અથવા આદિબ્રહ્માના ધ્વનિ સરખા ગંભીર ધ્વનિથી શ્રી મહાવીર પ્રભુ બોલ્યા કે - “હે ઇન્દ્રભૂતિ ! તને એવો સંશય છે કે “આત્મા છે કે નહિ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે -
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति” । ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - તે
૩૪૬
For Private and Personal Use Only