________________
આનંદઘન પદ - ૧
એવો યમદૂત તો હાજર થઈ જાય છે. કવિ પણ કહે છે -
રાજા ગયા મહારાજા ગયા, ને ગયા છે ઈન્દ્ર મુરારી. અચાનક એક દિવસ ઉપડવું, આવશે તારી મારી પણ વારી.
આવાં અનંતા જનમ મરણ કરતાં કરતાં, ભવસાગરમાં ભમતાં ભમતાં - ભટકતાં ભટકતાં, એ અનંતી ભટકણની અટકણ કરવાં માટે, ભવાંત માટે માનવભવ અને માનવદેહ સહિત સર્વ સાનુકુળ સંયોગ તથા સામગ્રી મળ્યાં છે. ભગવાનનું ભજન કે ભગવાનની ભકિત અને ભગવદ્ભાવ રૂપ જે નૌકા ભવસાગર પાર ઉતારનાર મળેલ છે તે ભકિતભાવની નોકામાં, ચારિત્રરૂપી જહાજનાં આધાર વિના આ અફાટ, અગાધ ભવસાગર પાર કરવો શકય નથી. વ્યવહારનયથી દેવાલયમાં સ્થાપનાવિલેપે રહેલ ભગવંત ભકિતના આલંબનથી, નિશ્ચયનયે અંત:કરણમાં રહેલ પરમાત્મસ્વરૂપને પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનથી. પ્રગટ કરવાનું છે.
કહા વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાર પાઉ રે, આનન્દઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે... કયા..૩.
તો હવે ભવજલનિધિ પાર ઉતરવા - પાર પામવાના આવા સારા સંયોગો મળ્યાં છે ત્યારે વિલંબ કરવાની મૂર્ખાઈ તું મુરખ (બાઉ રે) કરીશ નહિ. આનંદના નક્કર સમુહરૂપ પ્રસન્નવદના શુદ્ધ, નિરંજન, નિષ્કર્મા, નિર્મલ દેવની દેવાલયમાં
સ્થાપનાનિક્ષેપે પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિને આત્મસ્થ કરી તેનું ધ્યાન ધરતાં ધરતાં તેના જ જેવો શુદ્ધ નિરંજન, નિરાકાર, નિરપેક્ષ, નિરાલંબ, નિર્મલ, નિરાવરણ આનંદઘન બની જઈ ભવસાગર પામ અર્થાત્ ભવાંત સાધ !
યોગીરાજજી અહીં આ પદ દ્વારા સાધનાનો માર્ગ ન બતાવતા ઉપાસના (ભક્તિ) નો માર્ગ બતાવે છે. ઉપાસના જો કરતા આવડે તો શીઘ્ર ફળદાયી છે. ઉપાસનામાં મનને પ્રભુમય બનાવવા દ્વારા ચિત્તશુદ્ધિ અને વૃત્તિવિચાર શુદ્ધિ કરવાની છે. સાધનામાં દેહદમન હોઈ કષ્ટમય જીવન જીવવા દ્વારા એટલે કે આચારશુદ્ધિથી - કૃતિથી વૃત્તિશુદ્ધિ છે. ઉપાસના શ્રેષ્ઠ છે કારણ કે જગતની ભૌતિક કે આધ્યાત્મિક તમામ શ્રેષ્ઠ વસ્તુ તેનાથી મળે છે. પ્રભુ જગતમાં છે પુદ્ગલનું આકર્ષણ એ પરમાત્માનું વિસ્મરણ છે – આ ભયંકર આશાતના છે.