________________
આનંદઘન પદ - ૨૯
નહીં હમ મનસા, નહીં હમ શબ્દા, નહીં હમ તરણકી ધરણી; નહીં હમ ભેખ ભેખધર નાહીં, નહીં હમ કરતા કરણી. અવધૂ.૩.
દેહના સંબંધે વળગેલા પરિવારના કૌટુંબિક સંબંધો કે સ્નેહી સ્વજનોના સંબંધ એ હું નથી કારણ કે દેહ જ હું નથી. આગળ વધીને હવે યોગીરાજજી કહે છે કે સ્કૂલ દેહ તો જવા દો આ સૂક્ષ્મ મન કે જે ઈચ્છા કરે છે, વિચાર કરે છે, ભાવ કરે છે તે પણ હું નથી. ઈચ્છા, વિચાર હોવા એ તો ઘાતિકર્મના હોવાપણાના લક્ષણો છે. ઈચ્છા થવી એટલે મોહનીયકર્મનો ઉદય કેમકે ઈચ્છિતા પદાર્થનો મોહ છે. વળી ઈચ્છિત પદાર્થ જોઈએ છે એનો અર્થ એ થયો કે તે પદાર્થનો વ્યકિતને અભાવ છે. અર્થાત્ અંતરાયકર્મનો ઉદય છે. વિચાર થવા એ મતિજ્ઞાનની ઉપસ્થિતિ સૂચક છે. એટલે કે કેવળ જ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય કર્મનો ઉદય છે. મન અમન થાય તો ભગવાન થાય. મન, અમન થાય એટલે કોઈ ઈચ્છા રહે નહિ એટલે નીરિહી - વીતરાગ - પૂર્ણકામ થાય. બારમાં ગુણસ્થાનકે આવે. વીતરાગ થતાં મતિજ્ઞાન અવિકારી થયું પરંતુ હજુ મતિજ્ઞાન છે પણ પૂર્ણજ્ઞાન - સર્વજ્ઞતા નથી. તેથીજ છદ્મસ્થ ક્ષીણમોહ વીતરાગ ગુણસ્થાનક કહેવાય છે. બારમાના અંતે તેરમાં ગુણસ્થાનકે પ્રવેશતા વિચાર પણ જાય - સંકલ્પ - વિકલ્પ જાય અને નિર્વિકલ્પદશા આવે અર્થાત્ ભાવમન જાય અને સર્વદર્શી સર્વજ્ઞ બનાય. હજુ તેરમાં સયોગી કેવલી ગુણઠાણે દ્રવ્ય મન રહે છે પરંતુ ચોદમાં અયોગી કેવલી ગુણઠાણે દ્રવ્યમનનો વ્યાપાર પણ બંધ થઈ જાય છે કારણ કે રીલેશીકરણથી સર્વ યોગનું સ્થિરીકરણ કરી સર્વ યોગવ્યાપારનો વિરોધ કરવામાં આવે છે. આમ મન એ સાધન જરૂર છે પણ સાધ્યથી અભેદ થતાં એ સાધન છૂટી જાય છે. આમ મન એ પણ હું નથી. મન છે ત્યાં સુધી મનોવર્ગણાના પુદ્ગલના ગ્રહણ અને ત્યાગરૂપ ક્રિયા છે. વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે. જ્યારે જ્ઞાન અને આનંદની અભેદતા એ આત્માનું પરમાત્મસ્વરૂપમાં પરિણમનરૂપ એવંભૂતનવ નિર્દિષ્ટ સ્વરૂપ છે.
શ્રી રમણ મહર્ષિએ પણ કહ્યું છે....
સાધકનું પ્રયોજન માત્ર જ્ઞાન નથી. જ્ઞાન સાથે આનંદ પણ પ્રયોજન છે.