________________
આનંદઘન પદ - ૩૩
૨૩૯
પાછી મળશે ? મારા આ દુ:ખના રોદણાં કોની આગળ જઈ રહું અને મારું દુ:ખ એને દેખાડી હું હળવી થાઉં? હે અનુભવ મિત્ર ! તારા સિવાય કોઈ મારું નથી, જેની આગળ હું મારું હૈયું ખાલી કરું. તું જ મારી વાતને જાણી-સમજી શકે એમ છે. તારામાં - અનુભવમિત્રમાં જ એ શક્તિ છે કે જે મારો મારા સ્વામી સાથે મેળો કરાવી શકે. તારા (અનુભવના) દર્શન વિના આત્મસ્વામી એવાં મારા ચેતનને મળવું શકય નથી. માટે જ તને વિનતિ કરું છું કે મીઠડા અનુભવ તું તારી મીઠાશનો - અનુભવનો સ્વાદ મારા સ્વામી ચેતનને લગાડ કે જેથી એ સ્વાદના ચટકામાં મારી (સમતા-ચેતના) ભણી પાછો ખેંચાય આવે અને પોતાની સુઝ બુઝને ગુમાવીને પરઘેર જ્યાં ત્યાં ભટકતા મારા સ્વામીમાં શાણપણ જાગે અને સમતાના સ્વઘરે પાછો ફરે !”
નિસિ અંધારી મુહિ હસેરે, તાર દાંત દિખાય; - ભાદો કાદોમેં કિયો પ્યારે, અસુઅન ધારા વહાય. મિ...૩.
આત્માનંદની નિર્વિકલ્પ આત્મમસ્તીમાં મસ્ત બનેલા સાધકને જ્યારે વિકલ્પદશામાં - પ્રમત્તદશામાં આવવું પડે છે ત્યારે તેને તે સ્થિતિ અત્યંત અકારી, ભયંકર લાગે છે. જેવી રીતે ઘોર અંધારી એવી રાતમાં પણ ટમટમતા. તારાના ઝગમગતા પ્રકાશરૂપી દાંતથી ઝાંખું ઝાંખુ પણ દેખવામાં મદદ રૂપ હોય છે અને ચોરી કરનારા પણ એનો આશરો લેતાં હોય છે પરંતુ વાદળછાયી તારાવિહોણી ઘનઘોર અંધારી આષાઢી અમાવાસ્યાની રાત્રિએ તો ચોર પણ ચોરી કરવા બહાર પડતાં ડરતાં હોય છે, તો પછી સામાન્ય માનવી તો ભયભીત થાય એમાં કોઈ નવાઈ નથી, એવી રીતે પતિવિરહિણી એકલી અટુલી સ્ત્રી, માટે પણ તે ભયાવહ છે. એટલું જ નહિ પણ પતિવિયોગીની એકલી અટુલી સ્ત્રીને તો ઘોર અંધિયારી અને એમાંય એ વરસતી વર્ષાની નિસિ-નિશા-રાત્રિ હોય તો તો એને એનું વિરહનું દુ:ખ દાહ (અગ્નિ) બની જઈ દુ:ખી નથી કરતું પણ બાળે છે. એ વિરહિણીની બળતરા - બળાપો જોઈને પાછી એ રાત્રિ એને (મોહી - મને) હસે છે. એ રાત્રિ (નિસિ) એના ટમટમતા (તારે) તારલિયાંરૂપી દાંત કાઢી - દાંત દેખાડી મારી (મોહી) આવી બેહાલી ઉપર હસે છે.
કેવળજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, આત્માજ જ્ઞય અને આત્મા જ જ્ઞાતા.