________________
પરિશિષ્ટ 3
(૨) દ્રવ્યના ગુણ અર્થાત્ જાતિત્વ - જાતિપણું, (૩) દ્રવ્યના ગુણના પર્યાય અર્થાત્ ગુણ કાર્ય.
33
પાંચેય દ્રવ્યમાં પોત પોતાના નિજગુણ અને પર્યાય રહેલાં હોય છે. દ્રવ્ય એ આધાર છે - અધિષ્ઠાતા છે. એ અધિષ્ઠાતા દ્રવ્યના આધારે રહેલાં ગુણ અને પર્યાય છે તે આધેય છે. સ્થૂલ ઉદાહરણથી સ્પષ્ટ કરીએ તો....
સાકર એ દ્રવ્ય છે અને સાકરને સાકર તરીકે ઓળખવાનાર સાકરનો ગુણ મીઠાશ એ સાકરના આધારે સાકરમાં વ્યાપીને રહેલ છે. સાકર આધાર દ્રવ્ય છે અને સાકરની મીઠાશ એ સાકરનો ગુણ આધેય છે. સાકર મીઠાશ વિનાની નહિ હોય અને સાકરની મીઠાશ સાકર વિના સ્વતંત્ર નહિ હોય.
પાંચેય દ્રવ્યો સપ્રદેશી છે. પરંતુ પ્રદેશની સંખ્યા જુદી જુદી છે. આકાશસ્તિકાય દ્રવ્ય એક અને અખંડ હોવા છતાં લોકાલોક વ્યાપીને રહેલ છે જેના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના વિસ્તારથી લોકાકાશ (જ્યાં પાંચેય અસ્તિકાય વ્યાપી રહેલ છે) અને અલોકાકાશ (જ્યાં માત્ર આકાશાસ્તિકાય છે) એવાં બે વિભાગ પડે છે. એ સઘળાંય લોકાલોક આકાશના પ્રદેશોની સંખ્યા અનંતાનંત છે. આમ સમસ્ત આકાશ અનંતાનંત પ્રદેશી છે. જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક અને અખંડ હોવા છતાં તે ઉભય દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે.
પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પુરણ-ગલન સ્વભાવવાળું હોવાથી તેનો એક અવિભાજ્ય અંશ અર્થાત્ પરમાણુ પણ અનેકવિધ પરિણામ પામવાની શકિતવાળો હોવાથી અનંતપ્રદેશી છે અને વળી એવાં પુદ્ગલ પરમાણુની સંખ્યા પણ અનંત છે. પુદ્ગલના પાછા સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવાં ચાર ભાગ પડે છે પરંતુ પરમાણુ સ્વયં સ્વતંત્ર એકપ્રદેશી છે એ પરમાણુના જ દ્વયાણુક (બે પરમાણુની સંલગ્નસ્થિતિ) માંડીને સંખ્યાતા પ્રદેશ, અસંખ્યાતા પ્રદેશ અને અનંતા પ્રદેશના સ્કંધ બને છે. પુદ્ગલ પરમાણુ એક જ સ્વતંત્ર હોય ત્યારે પરમાણુ કહેવાય છે જે પુદ્ગલનો અવિભાજ્ય undivisible અંશ છે. જયારે પુદ્ગલ પરમાણુ સ્વતંત્ર ન રહેતાં પુદ્ગલસ્કંધ (સ્કંધ - જથ્થો-Mass) સાથે સંલગ્ન (જોડાયેલ) હોય છે ત્યારે તે પ્રદેશ કહેવાય છે.