________________
64
પરિશિષ્ટ
-
3
જીવ અવગાહના આકાશ પાસેથી લે છે. સ્થિતિ અધર્માસ્તિકાય પાસેથી લે છે, ગતિ ધર્માસ્તિકાય પાસેથી લે છે, અને અજ્ઞાન ને મોહનું નિમિત્ત જીવ પુદ્ગલાસ્તિકાયને બનાવે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય જે જડ અને અપ્રકાશ છે તે સર્વને આત્મા પોતાની જ્ઞાન-દર્શન શક્તિએ કરીને પોતાના જ્ઞાતા-દૃષ્ટા ભાવે ખ્યાત (પ્રકાશિત) કરે છે.
પુદ્ગલ પાસેથી જીવને સંયોગ-વિયોગ મળે છે કારણ કે મોહ અને અજ્ઞાનનું નિમિત્ત સંસારીજીવને પુદ્ગલ હોય છે જે સંયોગ-વિયોગ ધર્મવાળું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સાથે સંસારીજીવ, પુદ્ગલદ્રવ્ય અને સિદ્ધ પરમાત્માના જીવાત્માઓને જો સરખાવીએ તો પુદ્ગલદ્રવ્ય બરોબર સમજાય છે, તેમ સાથે સાથે સિદ્ધ પરમાત્માની સિદ્ધાવસ્થા પરમાત્માવસ્થા પણ સહજ જ સમજાય જાય છે.
જો કોઈ ગુનેગાર હોય તો તે નિયમબાહ્ય જેનું વર્તન છે, જે છે અશુદ્ધ એવો સંસારીજીવ છે. સંસારીજીવ સિવાયના કોઈ દ્રવ્યનું વર્તન નિયમબાહ્ય સ્વભાવ વિરુદ્ધ નથી પણ નિયમાનુસાર સ્વરૂપગુણકાર્ય ગુણપ્રમાણેનું હોય છે. આવાં અશુદ્ધ સંસારીજીવને, અશુદ્ધ જીવદ્રવ્યને, અનેકોમાં એક છતાં સર્વવ્યાપી એવાં આત્માને જાણીને, આત્મસ્વરૂપને જાણીને, બે નય, બે દૃષ્ટિ, બે માર્ગ, દ્રવ્યગુણપર્યાય, ત્રિપદી, ચાર કારણ, ચાર નિક્ષેપા, ચાર સંયોગ, ચાર અનુયોગ, પાંચ સમવાયી કારણ, પંચ મહાવ્રત, પંચાચાર,. પંચાસ્તિકાય, ષડ્કાય, ષસ્થાન, સપ્તભંગી, સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ, આઠ કર્મ, નવ તત્ત્વ, દશ પ્રકારનો યતિધર્મ, આદિ જે દ્રવ્યાનુયોગ પ્રધાન વિષય છે તેના અભ્યાસથી અને તથા પ્રકારના સદાચારણથી શુદ્ધ બનાવી સિદ્ધ પરમાત્મા થવાનું છે.