________________
પરિશિષ્ટ - ૩
હોવાથી તે ગુણ પણ સામાન્ય કહ્યો છે. વળી જીવોની સંખ્યા એકથી અધિક અનંતી હોવાથી ચેતનત્વ ગુણને તેમજ પુદ્ગલપરમાણુની સંખ્યા પણ એકથી અધિક અનંતી હોવાથી મૂર્તત્વગુણને સામાન્ય કહેલ છે. ઉપરાંત જીવાસ્તિકાયને અન્ય ચાર દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુલાસ્તિકાયથી નોખો નિરાલો તારવવા માટે થઈને ચેતનત્વ ગુણને વિશેષગુણ કહ્યો અને પુદ્ગલાસ્તિકાયને અન્ય ચાર અસ્તિકાયથી જુદું તારવવા માટે થઈને મૂર્તત્વગુણને વિશેષગુણ કહેલ છે.
દ્રવ્યના સામાન્ય અને વિશેષગુણ બાબતે આટલું વિગતે વિચાર્યા બાદ દ્રવ્યના સામાન્યગુણના બે પેટાભેદ ‘ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યક સામાન્ય છે તે અંગે હવે વિચારીએ.
ઉર્ધ્વતા સામાન્ય : જે દ્રવ્યની તેના પ્રત્યેક પર્યાયમાં - સર્વકાળમાં, બધીજ હાલત-અવસ્થામાં સર્વથા હાજરી હોય તેને ઉર્ધ્વતા સામાન્ય તરીકે ઓળખવામાં આવે છે. બદલાતાં જતાં માટીનાં પ્રત્યેક પાત્રમાં, કુંભ, કોઠી, કુલડી, કલેડા, કોડિયા એ સર્વ પાત્રમાં માટી તો તેની તે જ છે. દરેક પાત્રમાં માટીને દ્રવ્યરૂપે સમજાવતું, જવાસ્તિકાય - જીવના વર્તમાન આ ભવ અને ગતભવ તથા અનાગત પરભવના પ્રત્યેક પર્યાયમાં જીવત્વ, આત્મતત્ત્વને સમજાવતું જે સામાન્ય તત્ત્વ છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલુ રહે ત્યાં ઉર્ધ્વતા સામાન્ય હોય છે. જીવનમાં પ્રત્યેક ભવમાં, પ્રત્યેક ભાવમાં, પ્રત્યેક પર્યાય-હાલત-અવસ્થામાં, શિશુ અવસ્થામાં, કીશોરાવસ્થામાં, યુવાવસ્થામાં, પ્રૌઢાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં અને આગળ ઉપર ભવોભવની પ્રત્યેકાવસ્થામાં આત્માની જે હાજરી હોય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. એમાં પર્યાય-હાલત-અવસ્થા-આકાર તો બદલાય છે પણ બધીય અવસ્થામાં મૂળભૂત જીવદળ-જીવદ્રવ્ય-આત્મા તો હાજર ને હાજર જ હોય છે. છતાં ય સિદ્ધ પરમાત્માના જીવાત્માઓમાં ઉર્ધ્વતા સામાન્ય ઘટતું નથી કારણ કે તે આત્યંતિક શુદ્ધાવસ્થા, સહજાવસ્થા કૃતકૃત્યાવસ્થા હોય છે એટલે કે કારણ કાર્યનો અંત આવી ગયો હોય છે. એમણે તો નિત્ય પર્યાયની, સાદિ અનંત સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરી લીધી હોવાથી દ્રવ્ય અને પર્યાય અભેદ થઈ ગયાં છે. એ અક્રમા અવસ્થા છે. નિત્ય અવસ્થા છે.