________________
૩પ૦
આનંદઘન પદ - ૪૮
આપ વીતી કહેતાં રીસાવે, તેથી જોર ન ચાલે; આનંદઘન વહાલો બાંહડી ઝાલે, તો બીજું સઘળું પાલે. માયડી...૮.
એક આત્માની ઓળખ થતાં આખું જગત જીતાઈ જાય છે. પોતાના પર જે વીતી છે તેની કથની કહેતાં જેને રીસ ચડે અથવા તો ગુસ્સે ભરાય તેવી માયાવી મતિ પર જીવનું જોર નહિ ચાલે. કારણ કે બુદ્ધિ સાથે સંગતિ કરવાની ભૂલ જીવની પોતાની છે. માટે અતિ ઉપર દબાણ (જોર) નહિ કરી શકાય. તે ભૂલમાંથી છૂટવાનો ઉપાય એક જ છે. નિર્મળ અને પવિત્ર ભાવથી નિખાલસ હૃદયે તત્ત્વત્રયીની ભકિત કરવાથી જીવ પ્રભુની કૃપાનું પાત્ર બને છે. પરમ કૃપાળુ પરમાત્મા ભકત ઉપર પ્રેમ-વહાલ વરસાવે અને પ્રભુ જે માર્ગ દેખાડે છે. માર્ગની પાલના જીવ કરે તો તેવા ભક્ત આત્માનું બાવડું ભગવાન અવશ્ય. ઝાલે છે અથાત્ સહાય મળે છે. મારું તો કાંઈ જોર ચાલતું નથી પણ આનંદઘના એવાં આપ પરમાત્મા જો મારો હાથ ઝાલો અને મને સહાય કરો તો જે જે બીજું સઘળું આદરવા-પાળવા જેવું હું આદરી-પાળી શક્યો નથી તે પાળવા. એટલે કે આદરવા - આરાધવા હું સૌભાગ્યશાળી અને સમર્થ બનું!
મહાત્મન્ આનંદઘનજી મહારાજા કહે છે કે હું જે આ કરી રહ્યો છું તે મેં જાતે અનુભવેલું છે. છતાં મારી આ વાત જેની બુદ્ધિ પક્ષપાતથી ઘેરાયેલી છે તેને નહિ ગમે. તેને તો ઉપરથી આ સાંભળીને ગુસ્સો જ આવશે. પરંતુ એનો કોઈ બીજા ઉપાય નથી. માયાવી મતિવાળાને વાત ન ગમે અને ગુસ્સો આવે તેટલા માત્રથી સાચી વાત કે આત્મહિતકર વાત જો ન કહેવામાં આવે તો જગતને કયારેય સન્માર્ગ બતાવી શકાય નહિ અને દુર્ગતિના દુ:ખો તો વેઠી શકાય એવા નથી, માટે સન્માર્ગ બતાવવો એ તો અત્યંત જરૂરી છે.
પદનો સાર એ છે કે સાપેક્ષમાંથી નિરપેક્ષ થવું હશે તો નિષ્પક્ષપાતી બની, નિરાગ્રહી, વિશાળદષ્ટિવાળા બની, સ્યાદ્વાદ શૈલીથી ખંડનમંડનમાં પડ્યા વિના ભેદમાંથી ભેદમાં નહિ જતાં અભેદ ભણી ગતિ કરો તો જે સર્વજ્ઞ, નિગ્રંથ, વીતરાગી તીર્થકર ભગવંતનું તીર્થ-શાસન મળ્યું છે તેનું આલંબન લઈ સાધનાપંથે ચાલશો તો સ્વયંના પરમ આત્મતત્ત્વ ત્રિકાલી શુદ્ધ પરમપરિણામિક ભાવથી અભેદ થવાશે. માટે આડેઅવળે અહીંતહીં નહિ ભટકતા સર્વજ્ઞ વીતરાગ પ્રરૂપિત વીતરાગ માર્ગે આગળ વધતાં રહેવું.
- શેયને વળગવા જતું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનમાં રહેતું જ્ઞાન એ વિજ્ઞાન છે.