________________
આનંદઘન પદ - ૪૮
૩૪૯
ધર્મ બુદ્ધિએ કરીને મેં પરધર્મમાં પણ રહેલાં સત્યાંશનો વિચાર કર્યા વિના નિંદા કરી છે. તે ધર્મના અનુયાયીઓની પણ નિંદા કરી છે. તે માટે કષાયનો આશ્રય કર્યો છે. અને છતાં પાછો એમાં ધર્મ માનવાની ભૂલ કરી છે. ધર્મના નામે દુકાન માંડી એક નવા પ્રકારનો સંસાર શરૂ કરી દીધો. મારી અંદર રહેલી વિભાવ દશાએ અનેક ખોટા કામો કરાવ્યા અને તેને પાછા ધર્મના ખાતામાં ખતડાવ્યાં છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિથી મેં અનેકને ખોટા ઉપદેશ આપી તેઓના દ્વારા ખોટા કામ કરાવડાવ્યા છે. તેઓ ઉન્માર્ગ પ્રવર્તક બન્યા, અભક્ષ્ય ખાનારા બન્યા, યજ્ઞયાગાદિ ક્રિયામાં ભયંકર હિંસા હોવા છતાં તેમાં તેઓ ધર્મ માનતા થયા તે બધામાં પ્રેરક તરીકે તો મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી. તેનાથી પ્રેરાયેલા તેઓ અધર્મમાં પણ ધર્મ માનનારા થયા. રાગદ્વેષી દેવોને તે દેવ માનનારા થયા, વીતરાગ માર્ગને ભૂલીને તેઓ અન્યદેવની ઉપાસના કરનારા થયા, નિગ્રંથ ગુરને છોડીને અન્યને ગુર માનનારા થયા અને સર્વજ્ઞ વીતરાગ પ્રણીત ધર્મને છોડીને અન્યમાં ધર્મ માનનારા થયા; એ બધાંચમાં મારી પક્ષપાતવાળી બુદ્ધિ જ હતી.
અમારી આ થોડી કહેલ વાતનો ઉકેલ જેણે અનુભવ્યું હશે તે અનુભવ જ્ઞાની જ બતાવી શકશે, માટે થોડું કહ્યું એ ઘણું કરીને જાણજો. મરણિયો બનેલો મોહયોદ્ધો નિદ્રામાં ખરાબ સ્વપ્નો બતાવી જીવને ભયભીત બનાવી સાધના માર્ગે ચલચિત્ત કરી રહ્યો છે. અનાદિના કુસંસ્કારો જે આત્માની ભૂમિમાં મહીં ધરબાઈને પડેલા છે તે નીકળતા પહેલાં આ રીતે છેલ્લો છેલ્લો પોતાનો પરચો બતાવી રહ્યાં છે. આ જ વાત અગાઉના ૪પમાં પદમાં “મમતા માયા આતમ લે મતિ, અનુભવ મેરી ઓર દગોરી. ઠગોરી..” એ કડીથી જણાવી છે.
આત્માની પિછાન - ઓળખાણ તેમજ આત્માની અનુભૂતિ બહારમાં રહેલા સ્થાપના નિક્ષેપાની ઉપાસનાથી થાય તેમ નથી. એના માટે આત્માએ પોતાના દેહદેવળને તીર્થ સમજીને અંદરમાં ડૂબકી મારવાની છે. આત્માની પિછાન તે જ તીર્થ કરાવશે. અંદરમાં ડૂબકી મારીને અનંતા આત્માઓએ પોતાના આત્માને ઓળખી લીધો છે. અને તેના દ્વારા ક્રમે કરીને પરમ આત્મદશા એવી પરમાત્મદશાને વર્યા છે.
-
ખોજ નિત્યની હોય અને ઉત્પત્તિ નશ્વરની હોય.