________________
પરિશિષ્ટ - ૩
જીવદ્રવ્યના મૂળ શુદ્ધ સ્વરૂપને અને તેની વર્તમાન અવસ્થા (દશા) ને દ્રવ્યાનુયોગમાં સમજાવ્યા બાદ, જીવને તેની વિભાવદશામાંથી સ્વભાવદશામાં કેમ જવું, વર્તમાન અશુદ્ધ વિરૂપદશામાંથી સ્વરૂપને કેમ પામવું તેની આખીય પ્રક્રિયા અર્થાત્ આત્મામાંથી પરમાત્મા બનવાની, આત્માના અમરત્વની પ્રાપ્તિની પ્રક્રિયા - સાધના ચરણકરણાનુયોગમાં બતાડી છે અને તેથી જ ચાર અનુયોગના ક્રમમાં તેને બીજા સ્થાને મુકેલ છે.
ચરણ એટલે ચારિત્ર કે સંયમ જે કાચપ્રધાન છે અને કરણ એટલે તપ જે ઈન્દ્રિયપ્રધાન છે. અર્થાત્ ઈન્દ્રિયદમન તે તપ. નિયમમાં નથી તેને નિયમમાં લાવવા માટે સંચમની અને તપની જરૂર છે. જ્ઞાન અને દર્શન જે જીવના નિજગુણ છે, એ જીવના જ્ઞાન-દર્શનનું સ્વરૂપ કેવું છે એ દ્રવ્યાનુયોગમાં સમજાવવામાં આવેલ છે. જ્ઞાન-દર્શનનું સાચું સ્વરૂપ અનંત રસરૂપ છે. અનંત દર્શન અને અનંત જ્ઞાનમાં જે સહજ સ્વાભાવિક આનંદવેદન છે તે અનંત રસરૂપ સહજાનંદ વેદન છે જે સ્વાધીન છે, સંપૂર્ણ છે, સર્વોચ્ચ છે અને શાશ્વત છે. બગડેલાં, વિકૃત થયેલાં, એ વિકારી જ્ઞાન-દર્શનને સુધારવા માટે જ ચરણકરણાનુયોગ છે. જ્ઞાન-દર્શનના શુદ્ધિકરણની પ્રક્રિયા (Process), સાધના તે જ ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં દર્દ અને દર્દીની વાત થઈ, પણ તે દર્દીના દર્દને કાઢવાની, દવા, ઉપાય, ઈલાજ ચરણકરણાનુયોગમાં બતાવેલ છે. - દ્રવ્યાનુયોગમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણવ્યું અને ચરણકરણાનુયોગમાં તે જીવાત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા બતાવી તો ખરી, પરંતુ જો કોઈ જીવાત્મા એ પ્રમાણેની પ્રક્રિયા દ્વારા સર્વજ્ઞ, સર્વદર્શી પરમાત્મા - શુદ્ધાત્મા - સિદ્ધાત્મા થયો જ ન હોય તો પછી દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગના પદાર્થો પ્રમાણભૂત ઠરે કેમ ? કોઈ દષ્ટાંત, દાખલા, ઉદાહરણ વિના દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગની વાતો સત્ય છે એમ કેમ કરી મનાય ?
દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગની વાતો પ્રમાણભૂત છે એ દર્શાવવા ત્રીજા ક્રમે ધર્મકથાનુયોગ આપ્યો કે જે અનુયોગમાં જે જે જીવો શુદ્ધ થઈ કેવળી ભગવંત - પરમાત્મ ભગવંત બની વર્તમાનમાં વિચારી રહ્યાં છે, શુદ્ધાત્મા સિદ્ધાત્મા થઈ લોકાગ્ર શિખરે સિદ્ધશિલારૂઢ થયાં છે અને ભવિષ્યમાં થનાર છે એ બધાંચ જીવાત્માની કથા આવે છે.