________________
આનંદઘન પદ - ૩૮
'
૨૭૧
થયો ! પણ હું તો એની થઈ છું. એક દિવસ એવો આવશે જ્યારે એણે મારા થવું જ પડશે અને ત્યારે એ (ચેતન) અને હું (ચેતના) એકાકાર તદ્રુપ થઈને જ રહીશું ! લોકોના કહેવા ઉપર ધ્યાન આપી લોકવ્યવહારથી દોરવાઈને હું લૌકિક ચાલ ચાલું તો અલૌકિકને પામું નહિ. લોક (દુનિયા)ના રંગ અને સંગને છોડું તો જ આત્માના - મારા ચેતનના સંગને પામું અને એનો રંગ મને ચઢે (લાગે). લોકો તો બેગાના-પરાયા (બિરાના) છે. એ બધાં તો વાટે જતાં આવતા (બટાઉ) એકબીજા સાથે આડીતડી હસીમજાકની વાતો કરી, નિંદાકુથલીમાં માનવજીવનના મહામોલા સમયને વેડફી દેનારા છે. લોક તો અંધારી રાત્રે (અજ્ઞાનના અંધકારમાં) દોરડીમાં સાપ ભાળનારા, પુરુષના પડછાયામાં ભૂતને ભાળનારા અને છીપમાં રૂપું દેખીને તથા ઝાંઝવાના નીર (મૃગજળ)ને તૃષા છીપાવનાર જળ સમજીને દોડનારા - ખોટાને સાચું સમજી એની પાછળ ફના થઈ જનારા છે. એમને અંધકાર (અજ્ઞાન)ના કારણે સારા ખોટાનું ભાન જ નથી. ઘુવડને તો સૂર્યપ્રકાશ પણ અંધકાર રૂપ જ છે.
લોક તો લોકની પાછળ લોલે લોલ કરનાર - આંધળું અનુકરણ કરનાર . છે. અનાદિથી લોક તો આવો જ છે અને લોકરીત આવી જ ગતાનુગતિક રહેવાની. લોકમાં (દુનિયામાં) કે લોકોમાં આપણું પોતાનું કહેવાય (અપનો કહત) એવું કોઈ (કોરી) નથી. લોકોને કયાં ખબર છે કે પારકું હોય તે કદી પોતીકું થાય નહિ અને જે પોતાનું - પોતીકું છે તે ક્યારેય પર થાય નહિ. પોતાનું તો સદા પોતાની સાથે ને સાથે જ હોય. પ્રશ્ન ફક્ત પોતી (અપના) અને પરાયા (બિરાના)ની પરખ કરવાનો છે અને પરથી ખસવાનો અને સ્વમાં વસવાનો (કરવાનો - સમાવાનો) છે.
ટુંકમાં કહીએ તો સંસારમાં જ્યાં સુધી જીવને અજ્ઞાન - અવિદ્યા વર્તે છે ત્યાં સુધી પોતાના આત્મામાં રહેલાં સહવાસી સ્વરૂપગુણો - આત્મગુણો પરસ્પર એક બનીને સમકાલ સહવર્તના કરતાં નથી તેથી તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન ભાસે છે. ગાડરના સહવાસમાં ઉછરેલું સિંહબાળ પોતાનું સિંહપણું વિસારે પાડી દે એના જેવું છે. સંસારના બધાંય સંબંધો રાગદ્વેષથી પ્રેરિત લુખ્ખા અને સ્વાર્થી છે અને સાંયોગિક છે તેથી વિયોગને પામનારા છે. એટલે તો
આખોય મોક્ષમાર્ગ જીવના ડહાપણ અને જીવની આત્મજાગૃતિ ઉપર નિર્ભર છે.