________________
૩૨૮
આનંદઘન પદ - ૪૬
વળી જીવ કાંઈ આપ મેળે અજ્ઞાની બન્યો નથી. જીવની મહીં જ્ઞાન તો પડ્યું જ છે. એ અનંત દર્શન - અનંત જ્ઞાનનો ધણી છે પરંતુ એ જ્ઞાન ઉપર કર્મના પડળો ચડી જવાથી જ્ઞાન-દર્શન આવરાઈ-ઢંકાઈ ગયા છે. આ કર્મોના આવરણ હઠતાં નથી એટલે દર્શન-જ્ઞાન અનાવૃત થઈ પ્રકાશમાં આવતા નથી. આમ ચેતન પણ બાપડો કર્મનો નચાવ્યો નાચતો હોવાથી એનો પણ દોષ કાઢી શકાય એમ નથી. કર્મો પણ પરિણમન સ્વભાવવાળા હોવા છતાં કાંઈ કર્તા સ્વભાવવાળા નથી. જડ-ચેતનની આ લડાઈમાં કોને દોષિત ઠેરવવો અને કોને નિર્દોષ એ એક યક્ષ પ્રશ્ન છે.
તો પછી પ્રશ્ન એ ઉભવે છે કે આ સંસાર ઊભો કેવી રીતે થયો? આ સંસાર તો મોહરાજાએ રચેલી મોહજાળ - ઈન્દ્રજાળ - માયાજાળ છે જેમાં જીવ પોતે પોતાને ભૂલી જવાથી ફસાયો છે. જીવ પોતે પોતાને પોતાના પોતને - ટીમ્બરને ભૂલ્યો એટલે મોહ પરિણામ આત્મામાં ઊભો થયો. આ મોહ પરિણામ એટલે રાગ-દ્વેષના પરિણામ જે પ્રકૃતિની નિપજ છે અને તેજ માયા છે. જે સદા એક સ્વરૂપે કે એક સ્વભાવે ન રહે પણ સતત બદલાયા કરે, તેથી હોય તેવી દેખાય નહિ અને દેખાય તેવી હોય નહિ, એ માયા છે. પ્રકૃત્તિ ત્રિગુણાત્મક હોવાથી પોતાનું રૂપ નિરંતર બદલ્યા કરે છે માટે જે પ્રકૃતિને તત્ત્વ છે તે માયા છે. આ માયા જ મોહની જનની છે. માયા જ મોહને પેદા કરે છે અને પાછી મોહથી જ માયા પુષ્ટ થાય છે. આવા આ મોહરાજાના લશ્કરને જીતી લેવા યોગીરાજશ્રી આનંદઘનજીએ ખુલ્લંખુલ્લા રણમેદાનમાં આવી યુદ્ધનો શંખ ફૂંકયો છે. આ તો પુરુષ અને પ્રકૃત્તિ વચ્ચે ખેલાઈ રહેલું આંતરિક યુદ્ધ છે.
આ વિશ્વની અકલ રચનાને જગત આખુંચ કળી શકતું નથી તેથી તેના પાશમાં ફસાઈને રખડે છે. જ્ઞાની એને કળી શકે છે તેથી તેનો પાર પામવા પુરુષાર્થ આદરે છે.
નાગી કાઢલે તાલે દુશ્મન, લાગે કાચી હોય ઘરીરી; અચલ અબાધિત કેવલ મનસુફ, પાવે શિવદરગાહ મરીરી. ચે...૨.
અઘાતકર્મ વિષે માત્ર ઔયક ભાવ હોવાથી પુરુષાર્થ નથી.