________________
આનંદઘન પદ - ૪૦
૨૮૫
કરવાનો વારો આવે છે. એ પ્રણયકર્મ ઉદયમાં આવે ત્યારે ખરું અને ત્યારે જ એનું ફળ મળે. ઉઘરાણી તો એવું છે ને કે એની પાછળ ફર ફર કરીએ - માંગ માંગ કરીએ ત્યારે મળે તો મળે, એટલે એને સિરડફરડ કહીને યોગીરાજજીએ ફરી ફરીને ચંપલ ઘસી નાખીને માથાનો દુ:ખાવો વહોરવા જેવો વેપાર કહ્યો. આપણે ત્યાં કહેવત પણ છે કે... ‘ઘંટી ઘાણી ને ઉઘરાણી એ ફરે તો રાણી નહિ તો ધૂળધાણી.” આવા વાયદે આવનારા નાણા ને નાણા ન કહેવાય. એ તો આવ્યા ત્યારે ખરા ! પાર્ટી ઊઠી જાય તો ભેગું આપણું ઉઠમણું થઈ જાય. ભરોસો રખાય નહિ. પુણ્યકર્મ પાપકર્મમાં સંક્રમી જઈ શકે છે.
ડાહ્યા માણસો રોકડાનો વેપાર કરવો જ પસંદ કરે. ચેતના જો સ્વામી ચેતનને સંગમાં રાખી એનું પડખે પડખું દાબીને જો વર્તે તો જ્ઞાનથી થતી જ્ઞાનદિયા - સ્વરૂપડિયા બને. એ ઉપયોગપૂર્વકની સ્વરૂપક્રિયાથી જે પ્રસન્નતા, શાંતતા, ઉપશાંતતા, પ્રફુલ્લિતતા, તાજગી વર્તાય અને કોઈની સાથે પણ ચડભડ કે અથડામણ થાય નહિ, તે ઉપરાંત આપણે સહુને અનુકૂળ વર્તીએ તેના પ્રત્યાઘાત રૂપે આપણને સાધનામાર્ગે વિકાસને અનુરૂપ સર્વ પ્રકારની સાનુકૂળતા સામેથી આવી મળે એ બધોય વેપાર રોકડાનો વેપાર છે. જેમાં નગદ નાણા મળે છે. મોક્ષ આજે અહીં આ ક્ષેત્રે આ કાળે મળી શકે એમ નથી. પણ મોક્ષ કરનાર સમકિત તો આજે અહીંજ મળી શકે એમ છે. એ સમકિતને મેળવવું અને મળ્યું હોય તો એને નિર્મળ બનાવી દઢીકરણ કરવું તે રોકડાનો વ્યાપાર છે જે કરી લેવા જેવો છે. એ નગદ નાણું જ સાથે લઈને જવા જેવું છે. એ નાણું સાથે હશે તો સદ્ગતિ નિશ્ચિત બનશે અને પાછી એ સદ્ગતિ સસ્વરૂપને આપનારી બનશે. કદાચને જો દુર્ગતિમાં જવું પડશે તો. દુર્ગતિ દુ:ખદાયી બનશે નહિ.
પૂર્વબદ્ધ નરકાયષ્ય હોવા છતાં શ્રેણિકે પ્રભુ વીરને પામીને આવો નગદ-રોકડાનો વ્યાપાર કર્યો. મગધના શિરતાજ હોવા છતાં તેની કિંમત કોડીની સમજી પ્રભુ વીરની વીતરાગતાને જ રાતદિ' પોતાના ચેતવ્યમય ઉપયોગમાં ઘૂંટી ઘૂંટીને આત્માને સાચા અર્થમાં ચેતન બનાવ્યો, તો ક્ષાયિક સમકિત પામ્યા. એટલું જ નહિ પણ જિનનામકર્મ - તીર્થંકરનામકર્મની નિકાચના કરી,
અર્થ અને કામને ધર્મથી નાથવાના છે.