________________
આનંદઘન પદ - ૩૮
૨૭૩
યોગીરાજે સાક્ષીભાવે નિહાળતા, અહીં અભિવ્યક્ત કરી છે. સમતા - ચેતના કહે છે કે લોક તો લોક છે. એ તો ફાવે તેમ બોલે. લોકને મોઢે તાળાય દેવાતા નથી કે લોકને મોઢે ગળણું પણ બાંધી શકાતું નથી. પરંતુ મેં તો પર-જડ-રૂપી. વિનાશીનો કડવો રસ અનાદિના અનંતકાળના ભવભ્રમણમાં ચાખ્યો - અનુભવ્યો છે અને ચિઘન સ્વરૂપ એવાં મારા (સ્વ) ચેતનાત્માનો મધુર આત્મ રસ પણ ચાખ્યો છે. આત્મામૃતનો રસ ભૂલ્યો ભૂલાય એમ નથી અને એ કેમે કરીને છૂટે એમ નથી. - શૂરા શૂરવીર સૂરિજનો સંતજનોના ટોળેટોળાં (ટોરી-ટોળી) મળીને કે સંતસંગમાં જે આત્માનંદને આસ્વાદે છે તેવો આત્મામૃતરસ મેં શુદ્ધચેતનની સંગતમાં આસ્વાદ્યો છે. કરોડો દેવતાઓ છોડાવવા આવે તો પણ હવે મારા ચેતન પતિનો સ્વસંગ છૂટે નહિ. હવે તો હું (ચેતના) મારા શુદ્ધ ચેતન પતિના સમાગમમાં સદાકાલ લયલીન રહેવાની છું - જોડાયેલી જ રહેવાની છું.
ઔરહનો કહા કહાવત ઔરપે, નાહી કીની ચોરી હો; કાછ કછયો સો નાચત નિવહૈ, ઔર ચાચર ચર કોરી હો...મ..૪.
ઓર ન હો કહા કહાવત ઓર મેં - બીજા લોકો મારા વિષયમાં ગમે તેટલી મનઘડંત કહાનીઓ કહેતાં કહાવતાં ભલેને ફર્યા કરે. હું બીજાના કહેવા ઉપર મુદ્દલ લક્ષ આપતી નથી. પાઠાંતરે ઓરહનો શબ્દથી અર્થઘટન કરીએ તો કહેવાનું તાત્પર્ય એ છે કે ચેતનને એના નટનાગરપણા માટે બીજાને કહીને બીજા પાસેથી એને ઓરહનો એટલે ઉપાલંભ કે ઠપકો શું દેવરાવવો ? કારણ કે મેં કે મારા સ્વામી ચેતને કાંઈ ચોરી નથી કરી. જ્યાં સુધી સમજણો થયો. નહોતો ત્યારે અણસમજમાં - અજ્ઞાનતામાં પર પુદ્ગલમાં રાચતો હતો ત્યારે પરને મારું માનવારૂપ ચોરી કરી હતી પણ હવે તો એ શાણો સમજુ બન્યો હોવાથી ખુદમાંથી ખુદની ખુદાઈને ખોદી રહ્યો છે અર્થાત્ સ્વ આત્મા અંતરગત રહેલ પોતાના જ પરમાત્મ સ્વરૂપને કંડારી (આકારી) રહ્યો છે, એ કાંઈ કોઈની ચોરી નથી પણ પોતાના પોતાપણાના પ્રગટીકરણરૂપ પ્રાપ્તની પ્રાપ્તિ છે. મારો જ ખજાનો - ઘરેણું પરઘેર ગીરવી મૂકેલ હતું તેને છોડાવી સ્વઘેર
સંકલ્પ વિના કોઈપણ કાર્યની સિદ્ધ થાય નહિ.