________________
આનંદઘન પદ - ૩૮
૨૯
મેં સ્વીકાર્યા. હે સખી મન ! પતિની સાથે સંબંધ બાંધ્યા પછી પતિના સંબંધી-સગાં સ્વજનો સાથે સંબંધ બાંધ્યા વિના સંસાર નહિ ચાલે. “પરયા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે...” પરણવું એટલે પિયરથી સંબંધ છૂટવો અને સાસરાથી સંબંધ જોડાવો. પરઘેરથી ઘરે આવવું. ચેતને સંયમનો પંથ લીધો - સંયમ સ્વીકાર્યો એટલે બહારનો સંસાર તોડ્યો. બાહ્ય મનને તો વશ કર્યું પણ હજુ આંતરમન વશમાં આવતું નથી.
સમતા - ચેતના મનને ઉદ્દેશીને કહે છે કે સંયમ સ્વીકાર્યા છતાં જો મન - ચિત્ત ભટકભટક કરવાનું ચાલું રાખે અને એમ નટનાગરની બાજી જ રમ્યા કરે તો મારે માટે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવું ઉભયભ્રષ્ટ થવાપણું બને. ‘ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો’, એવી કફોડી પરિસ્થિતિ સર્જાય, પતિને પામવા માતાપિતા - પિયર છોડયું. પિયર તો છૂટી ગયું પણ પતિ. પોતાનો થઈને રહેતો નથી. આંતરમન જ્યાં સુધી વશ થાય નહિ, પિયરની યાદ, પિયરની રીતભાત, પિયરના સંસ્કાર સર્વથા ભૂંસાય નહિ અને પતિ (ચેતન)ના ઘરની રીતભાત પૂરેપૂરી અપનાવાય નહિ ત્યાં સુધી પતિને પમાય નહિ. પતિને પમાય તો પતિનો પ્રમે પણ મળે અને પતિની સાથે પતિના સહવાસી (ગુણો) ની હુંફ પણ મળે. સાસરે જવું એટલે પિયરને છોડવું નહિ પણ ભૂલવું, સર્વ પર જડ, રૂપી, વિનાશીથી સર્વથા પર થવાય નહિ, જ્યાં સુધી પરથી પૂરેપૂરું ઉચ્છેદન થાય નહિ ત્યાં સુધી સ્વ સાથે સંપૂર્ણ સંધાણ થાય નહિ. ઘર, પેઢી, પરિવાર, સ્વજન તો છોડ્યા પણ આ તને મનને, વચનને - વાણીને અને આ બારદાન - કાયાને તો સાથે લઈને આવ્યો છું તેમાંથી મારું મારાપણું જાય નહિ, એ મન વચન કાયાથી પણ જ્યાં સુધી પર થવાશે નહિ ત્યાં સુધી સ્વામી ચેતનની સાથે જોડાણ થશે નહિ અને એને પમાશે નહિ. સંસારમાં પણ જયાં સુધી મન વચન કાયાથી પતિને સમર્પિત થવાતું નથી ત્યાં સુધી પતિના થવાતું નથી. જે નિયમ સંસારમાં છે તે જ નિયમ આધ્યાત્મક્ષેત્રે આત્માને પામવા માટે છે. એ નિયમ જે સંસારનો સાંસારિક અલ્પ ક્ષણિક સુખ માટે છે તે નિયમ અધ્યાત્મ ક્ષેત્રે એપ્લાય થાય - લાગુ પડાય તો આધ્યાત્મિક - સાચું સંપૂર્ણ શાસ્વત આત્મિક સુખ પમાય.
સમગ્ર મોક્ષમાર્ગ જાતને ઓળખીને જાતમાં રહેવામાં છે.