________________
૧૦
આનંદઘન પદ - ૩
આવી કારમી વેદનાને તે બહાર નીકળીને સહજમાં જ વિસારી દીધી ! હે જીવ ! તું તો કંઈક નસીબનો બળીયો કે નવ માસમાં તારો છૂટકારો થયો. બાકી સિદ્ધરાજ જયસિંહને તો માતા મીનળદેવીના ગર્ભમાં બાર બાર વર્ષ રહેવું પડ્યું હતું અને દુર્યોધનને માતા ગાંધારીના ગર્ભની કાળકોટડીમાં અઢાર માસ સુધી. ઊંધે માથે લટકવું પડ્યું હતું. નર્કના દુ:ખો તો જીવે નર્કમાં હશે ત્યારે અનુભવ્યા. હશે પણ આ તો આ જીવનમાં જ માતાના પેટમાં વેઠેલી કારમી વેદનાને તે વિસારી દીધી ! અરે શીશુપણાની બાલ્યવસ્થાની પરવશતા અને લાચારીને પણ તું ભૂલી ગયો ! આજની ઘડીને સફળ જોનાર જીવ તું આજની પહેલાંની ગઈકાલને અને આજની પછીની આવતી કાલને પણ જો અને વિચાર કે આ ઘડીને સફલ માનવા જેવી છે? કે પછી આજની સફળ ઘડીનો સદુપયોગ કરી લઈ અનંતા ભાવિકાળને સફળ બનાવવો છે ? જેથી ફરી ફરી ગર્ભાવસ્થાના જન્મ લેવાના કારમા દુ:ખને સહન કરવાનું ટળી જાય.
સુપનકો રાજ સાચ કરી માચત, રાચ છાંહ ગગન બદરીરી, આઈ અચાનક કાલ તોપચી, ચહેગો ક્યું નાહર બકરીરીજીયા ૨.
આ સુખ તો સ્વપ્નમાં રાજા હોવાના સુખ જેવું જૂઠું છે, તેને તું સાચું , સમજી રાચી માચી રહ્યો છે પણ સ્વપ્ન પૂરું થતાં જ આ માયાવી સુખ ઝૂંટવાઈ જવાનું છે. સ્વપ્ન તો સ્વપ્ન છે. સ્વપ્ન એ જો બંધ આંખની દુનિયા છે તો તું જેને સુખ માનીને માચી રહ્યો છે તે ઉઘાડી આંખની સ્વપ્નીલ દુનિયા છે. કશું જ સ્થાયી નથી. બધું અસ્થાયી અને અનિત્ય છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી ભાવ આંખ બંધ છે. બંધ આંખે દેખાતા લાલપીળામાં રાચે માચે છે તે આભાસી છે, તે જ સ્વપ્ન છે. આ તો આકાશમાં રહેલાં સૂર્યને વાદળા ઘડીક ઢાંકી દે અને છાંયો થતાં જરીક ટાઢક વર્તાય એવું ક્ષણિક અસ્થાયી સુખ છે. ડોળી ઉપાડનારો ખભો બદલે અને ઘડીક હાશ અનુભવાય એવું સુલ્લક, આભાસી, ક્ષણિક સુખ છે. પુણ્યની વાદળી હઠી જતાં પાછું શેકાવાનું અને અકળાવાનું જ છે. કાળદૂત એવો તોપચી જેવો યમદૂત આવી અચાનક તોપ દાગશે અને તારા કૂરચે કૂરચા થઈ જઈ મોતના મોંમા ધકેલાશે ત્યારે તારું માનેલું કહેવાતું સુખ અને સુખના સાધનો અહીંના અહીં જ રહી જશે. નાહર
જે કાર્યનો અર્થી હોય છે કારણ પકડે.