________________
૧૬૬
આનંદઘન પદ - ૨૩
હવે વર્તાવા લાગ્યું છે. મારી આત્મચેતનાની કળી ખીલી (જાળી) ઉઠતા મને મારા આત્માના અસ્તિત્વનું, આત્મદશાનું આંશિક પણ ભાન થવા લાગ્યું છે, તેથી તે હવે આત્મા ! આત્મા ! શુદ્ધાત્મા ! પરમાત્મા ! નું જપન, રટણ, સમરન (સ્મરણ) કરવા લાગ્યું છે કે જો કળી - આંશિક અનુભૂતિથી આ દશા છે, તો પછી પૂરેપૂરો છોડ નવપલ્લવિત થઈ વિકસિત થઈ જશે, તો કેવી અદ્ભુત અપૂર્વ અનુપમ દશા હશે ?
અનંતગુણધામ એવાં મારા આત્માના એકાદા નાનકડા ગુણના પ્રગટીકરણથી, મારા ચિત્તની આવી પ્રસન્નતા છે, તો પછી એ ગુણ પરાકાષ્ટાના ટોચના સ્વરૂપને પામશે અને આત્માના અનંતગુણો એક સમયે એક સાથે પૂર્ણપણે વિકસેલા હશે, ત્યારે તો મારી આત્મદશાનો - આત્માનંદનો કોઈ આરોવારો ન હશે. એ તો અનંતાગુણોના અનંતગણ સુખનો દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય અનંત આનંદ હશે.
આ કલ્પના કળીને પૂર્ણ કમલાકારે વિકસિત થવાને પ્રોત્સાહિત કરી રહી છે. આત્માની આંશિક અનુભૂતિ જ પૂર્ણાનુભૂતિ માટે આવશ્યક પ્રચંડ વીર્યનો પૂરવઠો પૂરો પાડી રહી છે. અંશને પૂર્ણરૂપે પરિણમવા - બિંદુને સિંધુરૂપ વિસ્તરવા પ્રેરી રહી છે. માટે જ તે હવે આતમ સમરન લાગી છે એટલે કે આત્મમય રહેવા લાગી છે. અપ્રમત્ત એવી સતત જાગૃત અવસ્થામાં, પળેપળ વિકસિત થતી, ઉત્થાન પામતી અવસ્થામાં રહેવા લાગી છે. મારી મતિ - મારું મતિજ્ઞાન હવે કેવળજ્ઞાન માટે ઝૂરવા લાગ્યું છે.
જાયે ન કહું ઔર ઠિગનેરી, તેરી વિનતા વેરી; માયા ચેરી કુટુંબ કરી હાથે, એક દેઢ દિન ઘેરી. અવધૂ
આત્માનો સાચો મૂળ ગુણ શમ અને દમનો છે. અનુદિત કર્મોનું શમન કરવાનું છે અને ઉદિતકર્મોના વિપાક (અસર)ને સમભાવે સહવારૂપ એનું દમન એટલે કે નિકાલ (નિઝરન) કરવાનું છે. આવાં આ ક્ષમા, શાંતિ, સમતા, સહનશીલતાદિ ગુણોની વિનિતા અર્થાત્ વિનમ્રતાદિ ગુણોની જે શત્રુ એટલે કે વેરી, જે ઠગનારી ઠગારી છે તે કહેવા ઠપકારવા છતાંય જતી નથી.
છયે કારક સ્વમાં પ્રવર્તે તે મોક્ષમાર્ગ છે.