________________
આનંદઘન પદ - ૨૩
૧૬૭
આ વેરિણી માયાવી એવી માયા છે જે પાછી એકલી નથી પણ એની હારે - હાથે - સાથે એનું આખુંય દંભ, કુડ, કપટ, વિશ્વાસઘાત અર્થાત્ કામ, ક્રોધ, મોહ, લોભાદિનું કુટુંબ છે. એ માયા, એના પૂરા કુટુંબકબીલા સાથે ચેતન એવાં આત્માને ઠગવાનો - છેતરવાનો ચારો ચરે છે. ચેરીની જગાએ પાઠાંતરે ચેડી શબ્દ લઈએ તો એડીનો અર્થ દાસી કરતાં ઠગારી માયાદાસી એના પૂરા પરિવારની હારે ચેતનને ઠગી રહી છે.
એ માયાદાસી તો વિનતા એટલે વિનિતતા - વિનમ્રતા - સાલસતા - સરળતા - સમતા - સહનશીલતાદિ ગુણોને અવગુણરૂપ ગણાવે છે અને તેથી આવા ગુણથી ગુણિયલ બનેલાં ચેતનને જ ઉલટો ચોર કોટવાળને દંડે એમ નમાલો, બાયલો, ઢીલી કાછડીનો ઢીલો પોચો મૂરખ કહી વગોવે છે.
આ ઠગારી માયા મમતાનો સ્વભાવ તો બિલાડી જેવો કપટી છે. ચેતન ચેતેલો જાગતો હોય ત્યારે એના પગને ચાટતી ગરીબડી બની, ઊંઘવાનો ડોળ કરતી અંદરમાં લપાઈ છૂપાઈને પડી રહે. પરંતુ જયાં ચેતન જરા અસાવધ કે ગાફેલ થયેલો જણાય કે બિલાડી જેમ દૂધ, દહીં, ઘી ઉપર તૂટી પડી ચપ ચપ જેટલું ચટાય એટલું ટપોટપ ચાટી જઈ બાકીનું ઢોળફોડ કરી પાછી છૂપાઈ જાય, એમ ઈરાદા પૂર્વક આત્મા-ચેતન પાસે પાપો કરાવી ચેતનનું ન કલ્પી શકાય એવું અહિત કરી એને એના ફંદામાં ફસાયેલો જ રાખે. આમ ઠગારી માયા ચેતનના દૂધ, દહીં, ઘી જેવાં ગોરસ સ્વરૂપ ગુણરસને ધૂળ ચાટતા કરી નાંખે છે.
ચેતનની ચેતકતા - જાગૃતતા બાવીશ ત્રેવીસ કલાક જેટલી વિકસેલી અપ્રમત્તદશા છે. એક દોઢ કલાક જેટલો કે એક દોઢ દિવસ જેટલા પ્રમાદ પૂરતું જ હવે શ્રેણિના મંડાણથી આંતર રહ્યું છે. ભગવંત ગોતમને કહેતાં કે ‘સમયમ ગોયમ મા પમાયએ” એવી બહોત ગઈ થોડી રહી, જેવી અલ્પ અંતમુહૂર્તની શ્રેણિની સાધના બાકી રહી છે. એ સમય સમયની પળેપળની સતત સાવધતા માંગી લેતી ક્ષપકશ્રેણિની સાધના કેડી છે. હવે એટલા જ પૂરતી માયાદાસી અને એના ઠગારા પરિવારને ઘેરી રાખવાની - રુંધી-બાંધી રાખવાની જરૂર છે.
વૈરાગીને દેવલોક એ નજરકેદ છે.