________________
૯૮
આનંદઘન પદ ૧૪
થશે - હેતુરૂપ બનશે તો તું જ બનશે.
શ્રુત દૃષ્ટ અને અનુભૂત એ જ્ઞાન પ્રાપ્તિના ત્રણ તબક્કા છે. શ્રુત
અને દૃષ્ટ પરોક્ષ જ્ઞાન છે, જેને પ્રત્યક્ષ અનુભૂતજ્ઞાન દૃઢીભૂત અને ઘનીભૂત કરતું હોય છે અને તે અનુભવજ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાતું હોય છે. એ જ્ઞાનીની જ્ઞાનદશા છે.
-
તેથી જ સમતારૂપ ચેતના કલ્યાણમિત્ર અનુભવની સહાય યાચતા વિનવણી કરે છે કે હવે તો તું આવે અને તારી ચતુરાઈ હોશીયારી વાપરી કોઈ એવો કારગત ઉપાય પ્રયોજે તો જ મારા સ્વામી ચેતનરાજા ઔર એટલે કે બીજાં જે પરાયા છે તે પરનો સંગ નિવારે એટલે કે પરસંગ ટાળીને સ્વઘેર સ્વના સંગમાં પાછા ફરે એમ છે.
યોગીરાજજી કહે છે કે મને કાંઈ જ જોઈતું નથી. મને કોઈ શક્તિ, લબ્ધિ, યોગસિદ્ધિની ખેવના નથી. હું મારાપણામાં આવું અને મને મારામાં મારાપણાનો અનુભવ થાય તે જ એક માત્ર ઈચ્છું છું. માટે એવો કોઈ ઉપાય હવે યોજો કે મને મારા શુદ્ધાત્માની અનુભૂતિ પ્રતીતિ - ખાત્રી થાય જેથી પર એવાં માયા મમતા કુમતિના ફંદામાંથી હું છૂટો થાઉં. ચતુર એવો ચેતન એની ચેતનાથી ` છૂટો પડી જઈ પર, પરાધીન એવાં જડમાં ભૂલો પડી ગયો છે. ચેતન એની ચતુરાઈ ખોઈ બેઠો છે તો હવે આપ અનુભવ મિત્ર મારી મદદે ત્વરીત આવો અને ચેતનને ચેતવો. જાગૃત કરો !
‘ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહ વશે મૂક્યો રે ચેતન...' - વીરવિજયજી મહારાજ.
અનાદિના અધ્યાસે કરીને ચેતનને હજુય પર વસ્તુ પ્રત્યેની માયા મમતા છૂટતી નથી અને કુમતિનો કુછંદ છૂટતો નથી. એ બધાંના ફંદામાંથી છૂટવા વલખા મારતાં ચેતનને હજુ પણ શકય હોય તો પોતાના પાસમાં બાંધી રાખવા માયા, મમતા, તૃષ્ણા મરણિયા બન્યા છે અને રાત્રે નિદ્રામાં સ્વપ્નામાં પણ એ આવી આવીને લલચાવે છે અને શક્ય તેટલાં પ્રયત્નો ફસાવવાના કરી રહ્યાં છે. ચેતન હજુ અપ્રમત્તદશામાં, ક્ષપકશ્રેણિમાં આવ્યો નથી. જાગૃતિમાં હજી શુદ્ધ જ્ઞાન એ જ આત્માનો આધાર છે.