________________
૧૧૦
આનંદઘન પદ - ૧૫
ગમે એવાં અને ગમે તેટલાં લાખો પ્રયત્ન કરે, કિશોર એટલે કાળો કલશોર - કકળાટ કરે કોલાહલ મચાવે તો પણ તે નડતરરૂપ બની શકતા નથી અને જાગૃત થયેલી અનુભવ ગમ્ય ભાવરૂચિ - આત્મરૂચિનો ભંગ કરવામાં સફળ થતાં નથી. પછી તો નિરંતર અલખની ધૂન જ ચાલે છે.
ભગવાન મહાવીર, એ ૪૫ આગમોમાં રહેલા નથી પણ ૪૫ આગમોની ગમમાં રહેલા છે અને તે ગમ એ છે કે પ્રાપ્ત મન, વચન, કાયાના યોગથી મારા દ્વારા આ જગતના નાના મોટા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો.
જયાં બીજાને લેશ માત્ર પણ દુઃખ આપવાનો પરિણામ રહેતો નથી જ્યાં ઉપયોગકંપનથી થતી માનસિક ભાવહિંસા અને યોગકંપનથી થતી કાયિક દ્રવ્યહિંસા એમ ઉભય પ્રકારની હિંસાને ટાળવાનું લક્ષ્ય છે, ત્યાંજ અંતરમાં છુપાયેલ મહાવીર, પર્યાયમાં પ્રગટ થાય છે. ૪૫ આગમોમાં રહેલી આ ગમ (સમજણ) જીવને અનુભવમાં આવ્યા પછી તે દેહનો, ઈન્દ્રિયનો, સ્વજનનો, કુટુંબનો, ગામનો, નગરનો, દેશનો મટી સમસ્ત વિશ્વનો બને છે. સંકુચિતતાના કોચલા તૂટતા અંદરમાં રહેલ અનંત અનંત ચિદાકાશ ખુલ્લું થાય છે ત્યારે તે - અનંત અનંત આનંદ અનુભવે છે.
આ પદનો બોધ છે કે હે ! ચેતના તું તારા ચેતનને મળ ! આત્માનુભૂતિથી તું તારા આત્મજ્ઞાન (આત્મસમજ) અને આત્મવિશ્વાસ (આત્મશ્રદ્ધા) ને દઢીભૂત - ઘનીભૂત કર જેથી જ્ઞાનજ્યિાભ્યામ મોક્ષ થાય. ભૂખ જ જેમ ભૂખ્યાને ભોજનપ્રબંધમાં પ્રવૃત્ત કરે છે તેમ સ્વાનુભૂતિનું આત્મજ્ઞાન જ જ્ઞાનપ્રાપ્તિ - કેવળજ્ઞાનપ્રાપ્તિ - પરમાત્મ સ્વરૂપ પ્રાગટ્ય માટે જ્ઞાનને પ્રયોજે છે. જ્ઞાન જ જ્ઞાનની ક્રિયા કરાવે - સ્વરૂપક્રિયા કરાવે તે વાસ્તવિક જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ છે. જ્ઞાનપૂર્વકની ક્રિયાથી મોક્ષ એવું જે અર્થઘટન થાય છે તે અધુરું અર્થઘટના
જે સ્વસત્તાને ઓળખી લે છે તે જ પરસત્તાનો નિકાલ કરી શકે છે.