________________
આનંદઘન પદ - ૮
પ૩
લાવે અને મમતાના ફંદામાંથી છોડાવ અને સમતાની શીળી છાયામાં લાવ.
ટૂંકમાં યોગીરાજજી કહેવા એ માંગે છે કે કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગના ફંદામાં ફસાયેલા જીવને કોઈ હિતચિંતક કલ્યાણમિત્રની સાચી સારી હિતશિક્ષા ગમતી નથી અને માંડ માંડ માર્ગે વળેલો માર્ગ ગુમાવી બેસી સંસારમાં વધુ ખૂંપી જતો હોય છે.
રનકે સંગ રાચે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ.૩.
આનંદઘનજીનું ચેતન્ય અનોખુ જાગૃત ચેતન્ય હોવાથી પોતાના બાહ્ય ચેતનને આંતરચેતન સમજાવી રહ્યું છે કે તું જયારે અન્ય પારકાના સંગમાં, મમતાના સંગમાં રાચે છે ત્યારે મને આંતરચેતનને આપોઆપ સહજ જ ખ્યાલ આવી જાય છે કે મારા આ ચેતનરામ પરભાવને રવાડે ચડડ્યા છે. ત્યારે તે જાગૃત અંતરચેતના સ્વગત હિતશિક્ષા આપે છે કે હે ચેતન ! બહિરભાવમાં પરસંગમાં રાચવા જેવું નથી. તેં જે અનુભવ્યું છે અને અનુભવી રહ્યો છું તે જ તારું સાચું સ્વરૂપ છે. એ તો અનંત શાંતિ સુખનો, સહજ નિત્યાનંદનો અખૂટ અક્ષય ખજાનો છે.
ચેતનની ચેતના જ્યારે પરસંગનો ત્યાગ કરી પોતાના (સ્વ)રૂપ (ભાવ)માં રમણતા કરે છે ત્યારે તે આનંદમયી સુમતિની સંગતિ કરે છે અને ત્યારે તે સિદ્ધસ્વરૂપી કહેવાય છે.
માટે હે ચેતનારૂપ સ્ત્રી ! અથવા હે અનુભવ મિત્ર ! તું તારા નાથને - ચેતનને જગાડ અને એના મનમાં ઠસાવ કે કુમતિ તો ચેતનાને ફસાવે છે અને મમતાના કુસંગે ચઢાવે છે. એનાથી તો ચેતનનો જ્ઞાનમયી શુદ્ધાત્મા મલિન થાય છે કેમકે મલિન કર્મો ચોંટે છે. આ સર્વ હકીકત તું તારા સ્વામીના ધ્યાનમાં લાવ. સુમતિ સમતાનો સંગ કરાવે છે માટે તે હંમેશા આનંદમયી છે. જેટલો સમય જીવ સમત્વમાં (સમતામાં) રહે છે તેટલો સમય આવા સિદ્ધભગવંતોના આંશિક સુખને અનુભવે છે.
સંયોગોથી જૂદા રહેતા આવડે તો મોક્ષમાર્ગ.