________________
७०
આનંદઘન પદ
-
૧૧
મોરની બેઠક ઉઠકની, એની જીવનની ખાસિયત એવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ જોયાં પછી હવે મોરના દેહવૈભવની સુંદરતા, જાજરમાનતા વિષે વિચારીએ.
મોરના શરીર ઉપર એક રાજાને છાજે તેવા રાજચિહ્નો નજરે પડે છે. મોરની ડોક લાંબી હોઈ અને તેથી માથું અતિ ઊંચું હોવાથી અને માથા ઉપર સાતડાના આકારના ત્રણ છોગા હોવાથી મોરે જાણે શિરતાજ - રાજમુગટ ધારણ કર્યો હોય એવું જણાય છે. એના લલાટ ઉપર લાલ રંગનું વિજય તિલક શોભે છે. છાતી, પેટ વિગેરે શરીરના અંગો અત્યંત સુકોમળ અને ચળકાટ મારતાં રંગબેરંગી હોવાથી જાણે કોઈ રાજવીએ જરીયાન જામો પહેર્યો હોય એવો એનો જાજરમાન રજવાડી ઠાઠ લાગે છે.
તીરછાં - આડા રહેલાં પીંછાને ઊભા કરી અર્ધ વર્તુળાકારે જ્યારે વિસ્તારીને મોર કલા કરે છે ત્યારે એનો કલાપ જાણે કે મોહ શત્રુ સામે સંવરની ઢાલ ધરી હોય એવો નયનરમ્ય દેખાવ સર્જાય છે. કલા કરતો એ મોર જાણે અકલનિષ્કલ બનવાની આત્મકલા ન કરતો હોય એવો દીસે છે.
મેઘધનુષી સપ્તરંગી આત્મા વડે રચાયેલું મોરનું તન નિરૂપમ છે. સામાન્ય રીતે કોઈ પોત ઉપર ભાત (ડીઝાઈન) ઉપસાવવી હોય તો તાણા અને વાણાની તથા પ્રકારની ગોઠવણી અને તાણાવાણાના તે તે પ્રકારના રંગથી તે તે ભાતને અનુસરીને ગોઠવણી કરાય તો તે ઈચ્છિત ભાત ઉપસાવી શકાય. અહીં મોરપક્ષીની બાબતમાં કલાની ચમત્કૃતિ તો એ છે કે પીંછા એકતારી હોવા છતાં અદ્ભુત, અનુપમ બહુરંગી ચમકદાર અને ભભકદાર છાપ નિખરે છે, જે નિરૂપમ
છે.
મોરના આવા સુંદર નિરૂપમ રૂપને નિહાળતા આપણને આશ્ચર્ય થાય કે આવી કલાને ઉભારનાર કેવો મહાન કલાકાર હશે ? આ કલા આત્માની છે અને દેણ પ્રકૃતિની છે. પ્રકૃતિના પ્રાકૃતિક નિયમોને અનુસરે (પાળે) તેને પ્રકૃતિ એના શ્રેષ્ઠ પ્રાકૃતિક તત્ત્વોનું પ્રદાન કરતી હોય છે, એ એક સર્વ સામાન્ય નિયમ છે જે વાત અહીં જોવા મળે છે.
જેનું બધામાં જ ઇન્વોલ્વમેન્ટ છે તેને પરમાત્મા અને પોતાના સ્વભાવને ઓળખ્યો નથી.