________________
૪૬.
આનંદઘન પદ - ૭
પુણ્યના ઉદયથી પ્રતિવાસુદેવ જેવી પદવી પામીને પુણ્યના ભરોસે રહી દરેક પ્રતિવાસુદેવો વાસુદેવોથી હણાયા છે. પુણ્ય જાગતું - જીવતું હતું ત્યાં સુધી જે દેવાધિષ્ઠિત ચક્રને આગળ કરી ત્રણખંડના વિજેતા બન્યા હતા તે પુણ્ય પુરું થતાં તે જ ચક્ર દ્વારા વાસુદેવોથી યુદ્ધભૂમિ પર હણાઈને નરકે ગયા છે.
તે વખતે ત્રણ ખંડનું અપ્રતિમ સામ્રાજ્ય, પાયદળ, રથદળ, ગદળ, અશ્વદળ કે અંત:પુરની સામ્રાજ્ઞીઓ તેમને બચાવી શકી નથી. માટે જ્ઞાનીઓ ઢોલ પીટીને ડંકાની ચોટ ઉપર જીવને જગાડતા કહે છે કે હે ચેતન ! તું સમજ - સમજ - કાંઈક સમજ શાણો થા ? પુણ્યના ભરોસા છોડ, નહિ તો ચક્રી સુભમ અને બ્રહ્મદતના જેવા હાલ થયા તેવા હાલ તારા થતાં વાર નહિ લાગે. ઈતિહાસમાં જેની નોંધ લેવાઈ છે એવાં સમ્રાટ સિકંદરની વાત તો આપણા સહુની જાણ બહાર નથી અને મૃત્યુ સમયે સિકંદરે કરેલ ફરમાન તો આજે અધ્યાત્મ ક્ષેત્રે ગાણું બની ગયું છે.
મઠમેં પંચભૂતકા વાસા, સાસાયૂત ખવીસા; છિન છિન તોહી છલનછૂં ચાહે, સમજે ન બૌરા સીસા. અવધૂ૨.
હે અવધૂ આત્મન ! તેં જેને મઠ (મનને ઠારવાનું કામ) બનાવ્યો છે, તે છે તો તન (દેહ). આ દેહ બને છે પંચ મહાભૂત એવાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ તત્ત્વમાંથી, ટકે છે પણ પંચ મહાભૂતના ગ્રહણથી અને અંતે એ પંચ મહાભૂતનો બનેલો દેહ આત્માથી છૂટો પડી જતાં પંચ મહાભૂતમાં જ વિલય પામે છે. આમ મઠમાં પંચ મહાભૂતનો વાસ છે.
એજ પ્રમાણે ભૂત જેવી ભમાવનારી મહાભયંકર માયાવી પાંચ ઈન્દ્રિયોનો પણ વાસ આ દેહમાં છે. મન જો ઠેકાણે ન હોય તો દેહનો કબજો લઈને દેહવાસી બનેલા પાંચ ઈન્દ્રિયોરૂપી ભૂત જેમ ભમાવે અને જેમ ઘુમાવે તેમાં ભમરડાની જેમ ચક્કર ચક્કર ઘૂમવું પડતું હોય છે. આ ઈન્દ્રિયો ભૂત તો છે પણ સાથે તે ડાકિની, શાકિની, પિશાચીની જેવી આત્માનું ધનોતપનોતા કાઢનારી આત્મનિકંદિની છે. પાછો એ ભૂતડીઓને માથા વગરના ધૂર્ત ભયાનક શ્વાસ (સાસ) રૂપ ખવીસાનો સાથ મળે છે.
કાર્મણવર્ગણાનો ભંગાર આત્માર્થીને ન જોઈએ.