________________
.
આનંદઘન પદ - ૨
-
કેવલ કાલ કલાકલે, મૈં તું અકલ ન પાવે, અકલ કલા ઘટમેં ઘરી, મુજ સો ધરી ભાવે રે....૨.
હે ઘડિયાળી ! તારી આ બાહ્ય ઘડિયાળ તો બાહ્મસમય, વ્યવહાર કાળ બતાડી ભૌતિક જગતને ભૌતિક દુન્યવી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે. મને એવી તારી ઘડિયાળ ભાવતી કે ગમતી નથી અને મને તેવી ઘડિયાળની જરૂર પણ નથી. કાળ સ્વયં જેની આગળ કેલી કરે, કલા-ક્રીડા કરે એવી અકાલ, કાલાતીત કેવળજ્ઞાની બનાવનારી અને એ કેવલજ્ઞાનને બતાડનારી આત્મકલારૂપ ઘડી જ મને ગમે છે, જે અકલ એટલે કળાય કે સમજાય એમ નથી. અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ આખાને એક સમય માત્રમાં જાણનાર, કાળ આખાનો કોળિયો કરી જનારી અકલ કલા કરનારી ઘડી તો ઘટમાં એટલે આત્મા સ્વયંમાં અંતરમાં જ રહેલી છે તે ઘડી મને ભાવે છે કારણ કે તે ઘડી, પા ઘડી નહિ પણ સમયે સમયે (પળેપળે) સ્વમાં રાખી સ્વમય બનાવનારી
સ્થિર રાખનારી છે. બાહ્ય ઘડિયાળ તો અસ્થિરને અસ્થિર સમય બતાડી અસ્થિર રાખનારી, ચલિત કરનારી અને ચંચળ બનાવનારી ઘડિયાળ છે.
આતમ અનુભવ રસભરી, યામે ઔર ન ભાવે, આનન્દન અવિચલ કલા, વિરલા કોઈ પાવે રે...૩.
સ્વને સ્વમાં જ પકડી રાખનાર, ધ્રુવ એવાં આત્મામાં જ ધરી રાખનાર એ અપ્રમત્તદશાના અનુભવમાં રસતરબોળ રાખનારી સ્વાનુભૂતિરસ સભર આત્મજાગૃતિનું ભેદજ્ઞાન છે. દેહ અને આત્માનો ભેદ થયા પછી આત્મા અને આત્મભાવ સિવાયનું બીજું કશુંય ભાવતું કે ગમતું નથી. પર્યાયદૃષ્ટિથી વ્યવહારનયને એ જાણનારો અને જોનારો બને છે અને દ્રવ્યદૃષ્ટિથી વૈશ્ર્ચયિકનયથી સ્વમાં અર્થાત્ સ્વરૂપમાં, આત્મામાં રમનારો બને છે. આવી આનંદના ઘનમાં, આનંદકંદના આસ્વાદનમાં અવિચલ, નિશ્ચલ, અચ્યુત રાખનારી આત્મકલા છે જે કોઈક વીરપુરુષ જ પામી શકે છે.
આ પદ પાઠકને બોધ આપે છે કે પ્રાપ્ત સ્વકાળને સ્વમય બનવાનું સાધન બનાવી કાલાતીત થઈ અકાલ થા !
અસંખ્ય પ્રદેશે એક પરિણમન એ કર્તૃત્વ છે.