Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આશીર્વાદ વચનો થયેલ માર્ગાનુસારી બુદ્ધિના ઉદ્ભવ બાદ, વાયગ્રંથ, દર્શનગ્રંથ, કાવ્યગ્રંથ, વ્યાકરણગ્રંથ આદિ અનેકાનેક જ્ઞાન-વિજ્ઞાન શાખાના મૂળ સુધી પહોંચીને સંપ્રાપ્ત કરેલ વિશિષ્ટ પ્રતિભાના પ્રકાશ બાદ રચાયેલ અનેક કૃતિ પૈકીની આ એક કૃતિ છે.
આમાં સર્વનયાત્મક, પ્રમાણ પુરસ્કૃત, શ્વેતાંબર જૈન મત માન્ય સિદ્ધાંતોનું જબરદસ્ત મંડન છે. આ મંડન કરવા માટે એમણે અગાધ શ્વેતાંબર આગમરાશિમાંથી કિંમતી રત્નોનો સહારો લીધો છે. તેમ જ દિગંબર ગ્રંથકારોની અને અજૈન દર્શનકારોની વિવિધ વિષયક પંક્તિઓનો પણ ઉપયોગ કર્યો છે. આમ કરવા છતાં એ અધૂરા અપ્રમાણ મિથ્યાદર્શનોને અને તેમના દર્શનાનુયાયીઓની મોટી વાતોને ક્યાંય ટેકો ન મળી જાય તેની પૂરતી કાળજી પણ રાખી છે.
આ રાસગ્રંથ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ કરવા માટે દ્વાર તુલ્ય હોઈ સાધકો અનુકૂળતા મેળવી એનો અભ્યાસ કરતા આવ્યા છે. જૂજ જ સંખ્યામાં એનો અભ્યાસ કરાવતા પ્રજ્ઞાપુરુષો મળે છે. તેમ અભ્યાસકોની સંખ્યા પણ જૂજ જ હોય છે. છતાં પણ આમાં જે પડે છે તે જ આનો આસ્વાદ માણી શકે છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન માટે સુખારંભ શબ્દ પ્રયોજે છે. તો સમ્યગ્દર્શનની સવિશેષ શુદ્ધિનિર્મળતા કરનારા આવા ગ્રંથોના અવગાહનથી તો એ સુખમાં કેટલી ગણી વૃદ્ધિ થતી હશે તે તો અનુભવી જ જાણી-માણી શકે છે.
આ રાસ ગ્રંથની ગહનતા જોઈ પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ એના ઉપર ટબા (સ્તબક-બાલાવબોધ)ની એટલે કે ગુજરાતી ટીકાની સ૨ચના કરી સ્વકૃત પદ્ય કૃતિનો પરમાર્થ ગદ્યમય શૈલીમાં ખોલી આપ્યો છે છતાં એ પણ મધ્યમ બુદ્ધિ-સાધકો માટે દુરુહ બનતાં એના પર જુદાં જુદાં વિવેચનો-ભાષાંતરો પણ લખાયાં છે. જેની અનેક આવૃતિઓ આ પૂર્વે બહાર પડેલી છે. પ્રકાશિત થયેલી છે.
આમ છતાં પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ બુઝર્ગ ગણી શકાય એવી વયે જ્ઞાનનો સતત પુરુષાર્થ જારી રાખી આ વિદ્વદ્ભોગ્ય રાસ-ગ્રંથ પર સુવિસ્તૃત વિવેચન લખી અનુમોદનીય કાર્ય કર્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચતુર્વિધ શ્રીસંઘને તેઓ પોતાની જ્ઞાનલક્ષ્મીનો સુંદર લાભ આપી રહ્યા છે. અધ્યાપન ક્ષેત્રે કાર્ય કરતાં કરતાં જે જે મુશ્કેલીઓનો સામનો અભ્યાસ વર્ગને કરવો પડે છે તેનો અનુભવ તેમને થતાં એ મુશ્કેલીઓ ઓછી થાય એવા ઉદેશથી તેઓ વર્ષોથી અભ્યાસ ગ્રંથોના સરળ વિવેચનો-ભાષાંતરો કરી સંઘ સમક્ષ ધરતા આવ્યા