Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા—૧
૩૬૭
પ્રકારનું ઐયાયિકાદિ અન્યદર્શનકારો જે રીતે કહે છે. તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. તેઓ વ્યવહારમાત્ર દૃષ્ટિ (ઉપલકદૃષ્ટિ)વાળા છે. એટલે પાણીના પરપોટા, ઘટ, પટ, આદિ સ્થૂલ પદાર્થો નાશ પામતા દેખાય છે માટે અનિત્ય જ છે. અને પરમાણુ-જીવ આકાશ આદિ સૂક્ષ્મપદાર્થો અનાદિ અનંત કાળ સંસારમાં છે માટે નિત્ય જ છે. આમ નૈયાયિકાદિ માને છે. પરંતુ તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. કારણ કે આવા પ્રકારનો અમુક પદાર્થને આશ્રયી નિત્યનો એકાન્ત, અને અમુક પદાર્થને આશ્રયી અનિત્યનો એકાન્ત માનવામાં લોકદૃષ્ટિએ અને યુક્તિની રીતિએ પણ વિરુદ્ધ જણાય છે. લોકવિરૂદ્ધ અને યુક્તિવિરુદ્ધ આમ, બન્ને રીતે વિરૂદ્ધ છે.
કારણ કે ઘટ ફુટે ત્યારે ભલે ઘટનો નાશ થાય છે. પરંતુ તે જ ક્ષણે કપાલની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા પણ લોકોને દેખાય જ છે. અને યુક્તિથી પણ સમજાય જ છે. તો ઘટ એકાન્તે અનિત્ય છે આમ કેમ કહેવાય ? એવી જ રીતે જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો પણ પ્રતિસમયે પોત પોતાના નવા નવા પર્યાયમાં પર્યાયાન્તરને પામતાં હોય તેમ લોકોને પણ જણાય છે. અને યુક્તિથી પણ બેસે છે. બાળકપણે રહેલો જીવ જો પ્રતિસમયે પલટાતો ન હોય તો ક્યારેય પણ તે યુવાન અને વૃદ્ધ થાય જ નહી, પણ ચોક્કસ થાય તો છે જ. માટે સ્થૂલદૃષ્ટિએ પરપોટા, દીપક, ઘટ પટ આદિ પદાર્થો ભલે નાશ પામતા (અનિત્ય) દેખાય, અને જીવ આકાશ આદિ પદાર્થો ભલે ધ્રુવતા વાળા (નિત્ય) દેખાય. પરંતુ પરમાર્થથી વિચારીએ તો “પરપોટાથી માંડીને પર્વત સુધીના અને દીપકથી માંડીને આકાશ સુધીના” સઘળા પણ પદાર્થો ઉત્પત્તિ-વિનાશ ધ્રૌવ્ય ધર્મવાળા જ છે. “આવી મહોરછાપથી અંકાયેલા જ છે" કુમારપાલપ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ. બનાવેલી અન્યયોગવ્યવચ્છેદિકા નામની બત્રિશિકામાં શ્લોક પાંચમામાં કહ્યું છે કે
आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः 11
अन्ययोगव्यवच्छेदिका श्लोक - ५
દીપકથી પ્રારંભીને વ્યોમ સુધીની સઘળીએ વસ્તુઓ સરખા સ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુઓ સ્યાદ્વાદની મુદ્રાને (આજ્ઞાને) જરા પણ ઉલ્લંઘન કરનારી નથી. છતાં તે સર્વે વસ્તુઓમાંથી કોઈ એકાદ બે વસ્તુ (આકાશ-આત્મા-કાલ વિગેરે) નિત્ય જ છે. અને અન્ય કોઈ વસ્તુ (ઘટ-પટ-દીપક-પરપોટા આદિ વસ્તુ) અનિત્ય જ છે. આવું બોલવું તે હે વીતરાગ પ્રભુ ! તમારી આશાના દ્વેષી માણસોના પ્રલાપ છે.