________________
૫૬૦ ઢાળ-૧૧ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કે અન્વયે પણ હોય અને વ્યતિરેક પણ સાથે હોય તે સ્વભાવ. કેવળ એકલો અન્વય જ માત્ર હોય, તેની સાથે વ્યતિરેક ન હોય તે ગુણ. જેમ કે જીવમાં જ્ઞાન જ હોય, જ્ઞાનનો અભાવ તેની સાથે ન હોય, પુદ્ગલમાં રૂપાદિનો અન્વય જ હોય, પરંતુ રૂપાદિનો વ્યતિરેક ન હોય તેથી તે ગુણો કહેવાય છે. ફલિતાર્થ એ છે કે અનુવૃત્તિ (હોવાપણું) અને વ્યાવૃત્તિ (ન હોવા પણું) આમ બને પરસ્પર વિરોધીભાવો અતિનાસ્તિ, નિત્ય-અનિત્ય ઈત્યાદિ સાથે રહે તે સ્વભાવ. અને કેવળ એકલા અનુવૃત્તિ ભાવે જ રહે તે ગુણો.
તથા જે ભાવોની કાળાન્તરે પણ વ્યાવૃત્તિ (અભાવ) થાય તે સ્વભાવ. અને જેની કાળાન્તરે પણ વ્યાવૃત્તિ (અભાવ) ન થાય તે ગુણ. જેમ કે ઔપથમિક-ક્ષાયોપશમિક ઔદયિક અને ભવ્યતાત્મક પરિણામિક ભાવોનો મુક્તિકાલે અંત આવે છે માટે તે સર્વે ભાવોને સ્વભાવ કહેવાય છે. અને અસ્તિત્વ, વસ્તુત્વ-પ્રમેયત્વ તથા જ્ઞાનાદિ ગુણોનો ક્યારેય પણ અંત આવતો નથી. (વ્યાવૃત્તિ થતી નથી.) તેથી તે ગુણો કહેવાય છે. શ્રી દેવસેનાચાર્યકૃત “આલાપ પદ્ધતિમાં” ઉપર મુજબ સ્વભાવ અને ગુણમાં ભેદ જણાવેલ છે આ વિષય આલાપપદ્ધતિગ્રન્થના પ્રારંભમાં જ છે.
આ કારણે જ અહી સુધીની ગાથામાં ગુણોનો વિભાગ બતાવ્યો છે. તો તેના અનુસંધાનથી આ ગુણોનો વિભાગ કહીને હવે અમે સ્વભાવનો વિભાગ કહીએ છીએ.
तिहां प्रथम अस्तिस्वभाव, ते निजरूपइं-स्वद्रव्य क्षेत्र काल भाव स्वरूपइं भावरूपता देखो. जिम पर अभावई नास्तिस्वभाव अनुभविइं छइं. तिम निज भावई अस्तित्वस्वभाव पणि अनुभविइं छइं. मार्टि अस्तिस्वभाव लेखई छई. ॥ ११-५ ॥
(૧) અસ્તિસ્વભાવ = ત્યાં પ્રથમ અસ્તિસ્વભાવ કહેવાય છે. જ્યાં સર્વે પણ પદાર્થો પોતાના સ્વરૂપ એટલે કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાલ અને સ્વભાવ સ્વરૂપે ભાવાત્મક (હોવારૂપે-વિદ્યમાન સ્વરૂપે) જે દેખાય છે. તે અસ્તિસ્વભાવ છે. જેમ કે કોઈ માટીનો બનાવેલો એક ઘટપદાર્થ છે. તે ઘટપણે અથવા માટી દ્રવ્યના બનેલા ઘટ પણે અસ્તિસ્વરૂપ છે. અમદાવાદની માટીથી બનાવેલો હોય તો તે ક્ષેત્રની રચનારૂપે અસ્તિ છે. વસંતઋતુમાં બનાવેલો હોય તો તે કાળની અપેક્ષાએ અસ્તિ છે. અને નાનો, મોટો, અથવા રક્તાદિ જે ભાવે બનાવ્યો હોય તે ભાવે અસ્તિસ્વરૂપ છે. આમ સર્વે પણ પદાર્થો પોત-પોતાના સ્વદ્રવ્યાદિથી અસ્તિસ્વભાવવાળા છે.