________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૦
૭૦૫ તેવા પ્રકારની ઉત્તમ જે ધર્મક્રિયાઓ, કે જેને “સક્રિયા” કહેવાય છે. જેમ કે નિત્ય સ્વાધ્યાય કરવો, વાચના લેવી-દેવી. નિર્દોષ વસતિમાં વસવું, આધાકર્માદિ દોષ રહિત આહારગ્રહણ કરવો, નિર્દોષ સ્પંડિલભૂમિમાં નિહારાદિ કરવા. ઈત્યાદિ જે ઉત્તમ સક્રિયાઓ છે. તેવી ઉત્તમ ક્રિયાઓ જે આત્માઓની નિરૂપક્રમ એવા (નિકાચિત એવા) કર્મોના ઉદયની પરવશતાથી દોષ સહિત છે. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ નિકાચિત કર્મોના ઉદયના કારણે વિશિષ્ટ એવા ઉત્તમ જ્ઞાનના અભાવે જેઓની ધર્મક્રિયાઓ કંઈક દોષવાળી છે. જેઓ અજ્ઞાનયુક્ત ધર્મ ક્રિયાઓથી સહિત છે. તથા તેવા પ્રકારનો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી જૈનદર્શનની રીતભાતનો સુંદર બોધ જેઓ પ્રાપ્ત કરી શક્યા નથી. તેવા જીવો પણ જૈનશાસનના માર્ગના સાચા આરાધક થઈ શકે છે.
પ્રશ્ન- હા પરમાર્થ = આવી દોષિત ક્રિયા કરનારને અને વિશિષ્ટ જ્ઞાનના અભાવવાળા) અજ્ઞાની જીવને પણ જૈનશાસનના માર્ગના આરાધક છે. આમ આપ ક્યા કારણે કહો છો ?
ઉત્તર- જ્ઞાની શબ્દથી સમ્યકજ્ઞાનવાળા એવા ગીતાર્થ અને ચારિત્ર સંપન્ન જે જે ગુરુભગવંતો છે. તેઓના ચરણકમલને વિષે અત્યન્ત તન્મય પરિણામ જેઓનો છે. ગીતાર્થ પુરુષોની નિશ્રા જેઓએ સ્વીકારી છે. તેઓ જૈનશાસનના માર્ગના સાચા આરાધક જ છે. એમ સમજીને તેઓની સેવા કરવી. જેઓ ગુરુ ચરણાધીન છે. તે માટે તેઓ પણ આરાધક છે.
આ સંસારમાં કેટલાક મહાત્મા પુરુષો જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ક્ષયોપશમવાળા જ્ઞાની અને ગીતાર્થ પણ હોય છે સાથે સાથે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બન્ને પ્રકારનાં મોહનીયકર્મના પણ તીવ્ર ક્ષયોપશમવાળા હોય છે. એટલે ઉત્તમ શ્રદ્ધાળુણસંપન્ન અને ચારિત્ર તથા ધર્મક્રિયાપરાયણ હોય છે. તેઓ તો આરાધક છે જ, તથા વળી જે જીવો દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષયોપશમવાળા છે. જેથી ઉત્કૃષ્ટ શ્રદ્ધા સંપન્ન, ચારિત્રવાળા અને ધર્મક્રિયાઓથી સહિત છે. પરંતુ પૂર્વે બાંધેલા ગાઢ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી શાસ્ત્રીયજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. છતાં મોહનીયની મંદતાના કારણે જ્ઞાની ગુરુભગવંતોની નિશ્રામાં રહીને આત્મકલ્યાણ સાધવાની તમન્નાવાળા છે, સરળ છે, વિનમ્ર છે નિષ્કપટભાવવાળા છે. અને નિઃસ્પૃહ છે તેઓ પણ જૈનશાસનમાં આરાધનાના માર્ગે છે માષતુષ મુનિની જેમ આ આત્માઓ પણ તુરત કલ્યાણ કરી જાય છે.