________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૯
૬૦૭ કેવળપણું એટલે એકદ્રવ્યપણું, અનાદિકાળથી જીવ અને કર્મનો (આ બે દ્રવ્યોનો) સંયોગ થયેલો છે. કર્મ એ પરદ્રવ્ય હોવાથી ઉપાધિભૂત છે. તેના સંયોગે (ઔદયિકભાવથી) આત્મામાં જે જે પરિણતિ (પર્યાય) થાય છે. જેમ કે દેવ-નારકી આદિ પર્યાય, એકેન્દ્રિય વિક્લેન્દ્રિયાદિ પર્યાય, રાજા રંકાદિ પર્યાય તથા શારીરિક રોગી નિરોગી પર્યાય જે થાય છે તે પર્યાયપણે આત્માનું જે પરિણમન છે. તે અશુદ્ધસ્વભાવ જાણવો. કારણકે તે પરિણમન કર્મ નામના અન્ય દ્રવ્યના સંયોગ થાય છે. એકલા એક જીવદ્રવ્યથી આ પરિણમન થતું નથી. અને ઉપાધિભૂત જે કર્મદ્રવ્ય છે. તેના વિના ક્ષાયિકભાવે (તથા અપેક્ષા વિશેષે ક્ષાયોપથમિક ભાવે અને ઔપશમિક ભાવે) કેવળ એકલા જીવદ્રવ્યના પોતાના સ્વાભાવિક ગુણોમાં જીવદ્રવ્યનું જે પરિણમન થાય છે. તે શુદ્ધસ્વભાવ જાણવો. સંસારી જીવદ્રવ્યમાં આ બન્ને ભાવો અવશ્ય હોય જ છે. છેલ્લે નિગોદાવસ્થામાં પણ યત્કિંચિત્ ક્ષયોપશમભાવ જ્ઞાનાવરણીયાદિનો જે છે તે શુદ્ધસ્વભાવ જાણવો. અને જે ઔદયિકભાવ છે કે જ્યાં કર્મોની પરવશતાએ જીવમાં તેવું તેવું પરિણમન પામવાની જે યોગ્યતા વર્તે છે તે અશુદ્ધસ્વભાવ જાણવો. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પોતાનામાં પુરણ ગલન પામવાનો, અને વર્ણ ગંધ રસ સ્પર્ધાદિ સ્વકીય ગુણોમાં પરાવર્તન પામવા રૂપ જે સ્વભાવ છે તે (પોતાના એકલાનું જ પરિણમન હોવાથી એટલે કે એકદ્રવ્ય વિષયક હોવાથી) શુદ્ધ સ્વભાવ કહેવાય છે. અને આત્માના સંયોગે (પદ્રવ્યના સંયોગે) પુદ્ગલોનું શરીરાદિરૂપે જે પરિણમન થાય છે. તે પુદ્ગલદ્રવ્યમાં પણ અશુદ્ધસ્વભાવ સમજવો.
સારાંશ કે કેવળ એકદ્રવ્યનું જે સહજ પરિણમન, અર્થાત્ ઉપાધિ ભાવ રૂપે રહેલા પર દ્રવ્યથી રહિત પોતાના ગુણોમાં અંતર્ગત રીતે જે પરિણમન પામવાપણું છે. તે શુદ્ધસ્વભાવ જાણવો. જીવનું જીવના ગુણોમાં અને પુગલદ્રવ્યનું પુદ્ગલના ગુણોમાં જે પરિણમન પામવાપણું તે શુદ્ધસ્વભાવ જાણવો. અને ઉપાધિભૂત પરદ્રવ્યથી જન્ય એવું જે જે બહિર્ભાવ પણે પરિણમન પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધસ્વભાવ કહેવાય છે. જીવમાં કર્મ નામના પર દ્રવ્યની પરવશતાએ જે પરિણમન પામવાની યોગ્યતા છે તે, અને પુદ્ગલ દ્રવ્યમાં જીવના સંયોગે (જીવદ્રવ્યની પરવશતાએ) જે પરિણમન પામવાની યોગ્યતા છે. તે અશુદ્ધ સ્વભાવ જાણવો. ધર્માદિ શેષ ચાર દ્રવ્યો વ્યવહારનયથી અપરિણામી છે. તે માટે તે ચાર અજીવ દ્રવ્યોમાં જીવનો અને પુદ્ગલનો સંયોગ છે. પરંતુ તેના સંયોગે પુગલદ્રવ્યની જેમ ભિન્ન ભિન્ન ભાવે પરિણમન પામવાપણું તેનામાં નથી તેથી ત્યાં અશુદ્ધસ્વભાવ નથી, તથા અશુદ્ધસ્વભાવ નથી એટલે શુદ્ધસ્વભાવ પણ નથી. અશુદ્ધ હોય તો જ પ્રતિપક્ષપણે શુદ્ધનો વ્યવહાર થાય છે.