________________
૬૯૪
ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– જ્ઞાન વિનાની કેવલ એકલી ધર્મક્રિયાનું આચરણ આગીયા સમાન છે. અને ક્રિયા વિનાનો કેવળ એકલો જ્ઞાનાભ્યાસ એ સૂર્યસમાન છે. બન્ને એક એકલા જ્યારે હોય છે ત્યારે પણ આગીયા અને સૂર્યના પ્રકાશની જેમ મોટા અંતરવાળા છે. પરંતુ કલિયુગમાં આ વાત કોઈ વિરલા પુરુષો જ સમજી શકે છે.
જ્ઞાન વિનાની કેવળ એકલી જીવનમાં આવેલી ધર્મક્રિયા એ બાહ્યપ્રવૃત્તિ સ્વરૂપ છે. તે બાહ્ય ધર્મક્રિયા જ્ઞાનવિનાની હોવાથી અંદરની પરિણતિની એટલી બધી નિર્મળતા કરી આપતી નથી, તેથી અહંકાર લાવનારી પણ બને છે. બીજા જીવોને (જે ક્રિયા વિનાના હોય છે તેઓને) હીન દેખનારી પણ બને છે. વારંવાર અન્યજીવોને ઉતારી પાડનારી પણ થાય છે. પોતાની જાતને પણ ક્રિયાકાળ પુરતી જ કેટલાક આશ્રવથી બચાવનારી બને છે. શેષકાળે તો તે આશ્રવ બહુવેગથી ચાલુ રહે છે. ક્રિયાકાલે પણ આ જીવ વિધિપ્રમાણે પણ કરે અને અવિધિએ પણ કરે છે. પરંતુ સૂત્રોના અર્થો જાણવા દ્વારા જે ઉપયોગ-એકાગ્રતા-લીનતા વૈરાગ્ય, આત્મતત્વની પિછાન, મોહનો પરાભવ, ગુણસ્થાનકોની શ્રેણીનું આરોહણ અને તન્મયતા આવવી જોઈએ તે જોવા મળતાં નથી. તેથી ઘણી વખત જ્ઞાનીઓની (કે જેઓના જીવનમાં બાહ્ય ધર્મક્રિયા અલ્પ માત્રામાં છે તેઓની) નિંદા કરાવનારી પણ બને છે. આ રીતે કેવળ એકલી ક્રિયા જીવને ધર્મમાં જોડે છે. પરંતુ આત્માને પ્રાયઃ ધર્મના પરિણામમય બનાવતી નથી. તેથી આગીયાના જેવા અલ્પપ્રકાશને જ આપનારી છે.
તથા વળી તેવી ક્રિયાઓથી કરાયેલો કર્મનો ક્ષય દેડકાંના ચૂર્ણ સમાન છે. એટલે કે ચોમાસુ ગયા પછી તળાવના કિનારે રહેલાં દેડકાંઓ પાણીનો પ્રવાહ મોળો પડવાથી માટીમાં ચોંટી જાય છે. મળી જાય છે. ડ્રાઉં ડ્રાઉ કરતાં નથી. અને કાળાન્તરે મરી પણ જાય છે. પરંતુ ફરીથી વરસાદ આવતાં જ, અથવા પાણીનો પ્રવાહ આવતાં જ તેઓ ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે. જોરશોરથી શોરબકોર કરે છે. સમૂર્ણિમ પણ હોવાથી ફરી ફરી તેમાં નવાં દેડકાંઓ ઉત્પન્ન થાય છે. મરી જવાથી દેડકાંના શરીરનું ચૂર્ણ થયું હોય (ચૂરો થયો હોય, છુંદાઈ ગયું હોય) તો પણ ફરીથી પાણીનો પ્રવાહ આવતાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કેવલ એકલી ધર્મ ક્રિયાના કાલે શુભપ્રવૃત્તિ હોવાથી અલ્પમાત્રાએ કર્મક્ષય કરાવે છે. અથવા આશ્રવને રોકનાર બને છે. પરંતુ ધર્મક્રિયા પૂર્ણ થતાં પુનઃઆશ્રવો ચાલુ થાય છે તે આશ્રવો બહુ વેગ પકડે છે. વિષયોની ભૂખ વધે છે. અને કર્મબંધ ચાલુ થઈ જાય છે. કારણ કે અંદરની પરિણતિ નિર્મળ બની નથી. અને ઉત્તમ જ્ઞાન વિના પરિણતિ તેવા પ્રકારની નિર્મળ બનતી નથી. માટે જૈન શાસ્ત્રોમાં એકલી ક્રિયાને આગીયા સમાન અને દેડકાંના ચૂર્ણ સમાન કહી છે.